દિલ્હી બ્લાસ્ટ મામલામાં NIAના કાશ્મીર-લખનઉમાં ૮ સ્થળોએ દરોડા
નવી દિલ્હી, દિલ્હીના લાલ કિલ્લાની પાસે થયેલા બોંબ વિસ્ફોટના મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)એ સોમવારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ સંબંધિત સૂત્રોએ કહ્યું કે એનઆઈએ દ્વારા કાશ્મીરમાં મૌલવી ઈરફાન અહમદ, ડો.આદીલ, ડો.મુઝમ્મિલ, આમિર રાશિદ અને જસીર બિલાલ અને ઉત્તરપ્રદેશના લખનઉમાં શાહીનના ઘરમાં તપાસ કરાઈ છે.
આ દરોડાની કાર્યવાહી શોપિયાંના નાદિગામ, પુલવામાના કોઇલ, ચંદગામ, મગંલપોરા, સંબૂરા અને કુલગામમાં કરાઈ છે. આ ઉપરાંત, ડો. ઉમર નબીના સાથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશના ઘરમાં પણ તપાસ કરાઈ છે. બિલાલ પર હમાસની જેમ ભારતમાં ડ્રોનથી હુમલા કરવાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ છે. એનઆઈએના અધિકારીઓની દરોડાની કાર્યવાહીમાં યુપી એટીએસની ટીમ પણ સાથે રહી હતી.
આ દરોડાની કાર્યવાહી લગભગ પાંચેક કલાક ચાલી, જેમાં શાહીનના પિતા સઈદ અંસારી અને તેમના મોટા પુત્ર શોએબની લાંબી પૂછપરછ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન, ડિઝિટલ ગેઝેટ્સ, ડોક્યુમેન્ટ અને કેટલીક મહત્વની સામગ્રી પણ જપ્ત કરી છે. એનઆઈએના સૂત્રોના કહેવા મુજબ, અમારી ટીમો એવા પુરાવાની શોધ કરી રહી છે, જે વ્હાઇટ કોલર ટેરર નેટવર્કથી સંબંધિત હોય.
દરોડાની કાર્યવાહી દરમિયાન નવા પુરાવા મળ્યા છે કે નહીં, તેને લઈને હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ પહેલા, ૧૧મી નવેમ્બરે જમ્મુ-કાશ્મીર પોલીસ અને યુપી એટીએસે સંયુકત રીતે આ ઘરમાં દરોડા પાડ્યા હતા. દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ શાહીનની ફરીદાબાદમાંથી ધરપકડ કરાઈ હતી. એ ડો. મુઝમ્મિલ શકીલનો વિશ્વાસુ છે. ધરપકડ વખતે તેને ત્યાંથી એકે-૪૭ મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.SS1MS
