Western Times News

Gujarati News

ધર્મ શું છે તે જાણે છે પણ આચરી શકતા નથી એ નેતાઓ ! અને ઉત્તરદાયિત્વનું આચરણ કરે છે એ ન્યાયાધીશો !

ન્યાય મંદિરની ગરિમા અને બંધારણનું ઉત્તરદાયિત્વ જાળવવા માટે ન્યાયાધીશોની ભૂમિકા અજોડ છે ?!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! જેને આપણે ભારતું સર્વાેચ્ચ “ન્યાય મંદિર” કહીએ છીએ ! ભારતનું બંધારણ એ માનવ સભ્યતાને ઉજાગર કરતો પવિત્ર ગ્રંથ છે ! દેશનો સર્વાેચ્ચ કાયદો છે ! આ પવિત્ર ન્યાયમંદિરમાં બેસીને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ જે “કર્તવ્યધર્મ” નિભાવ્યો છે એને લઈને રામરાજયની નૈતિકતા અને શ્રી ક્રિશ્નનું ધર્મનું ઉત્તરદાયિત્વનો સંદેશો ટકી રહ્યો છે !

ડાબી બાજુથી દેશના પ્રથમ ચીફ જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રીએ એક ચૂકાદામાં કહ્યું છે કે, “વાણી અને અખબારી સ્વાતંત્ર્ય બધાં જ લોકતાંત્રિક સંગઠનોના પાયામાં પડેલા છે ! કારણ કે મુકત રાજકીય ચર્ચા વિચારણા વિના પ્રજાલક્ષી શાસનતંત્રની યોગ્ય કામગીરીની કાર્યવાહી માટે અત્યંત આવશ્યક એવું લોકશિક્ષણ શકય નથી”!

ન્યાયમૂર્તિ શ્રી એ. કે. સિક્રિએ કહ્યું છે કે, “બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ”! સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી દેસાઈએ કહ્યું છે કે, “બિનસાંપ્રદાયિક રાજય એ એક વ્યક્તિને તેના ધર્મથી અસબંધિત રહીને એક નાગરિક તરીકે ગણે છે ને કોઈ અમુક ધર્મ સાથે જોડાયેલું હોતું નથી ને ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે તે તેમાં દખલ કરતું નથી”!

ન્યાયમૂર્તિ શ્રી અભય મનોહર સપ્રેએ રાઈટ ટુ પ્રાઈવશીના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવતા ચૂકાદામાં કહ્યું કે, “વ્યક્તિગત ગુપ્તતા એ કુદરતી છે જેને વ્યક્તિથી ભિન્ન કરી શકાય નહીં “રાઈટ ટુ પ્રાઈવશી” નો અધિકાર વ્યક્તિને જન્મતાની સાથે જ મળી જાય છે અને મૃત્યુ સુધી અનંત રહે છે”! જયારે પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈએ કહ્યું છે કે, “સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે છે ! પરંતુ બંધારણની મૂળભૂત રચનાને બદલી શકે નહીં સંસદ નહીં બંધારણ સર્વાેચ્ચ છે”!!

આમ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓએ સુપ્રિમ કોર્ટની સત્તાની અને બંધારણની ગરિમા જાળવી છે તથા જુદા જુદા રાજકર્તાઓએ જાળવી નથી ! નેતાઓમાં સત્તાનો અહંકાર હોય છે ! ન્યાયાધીશોમાં સત્તાનો વિવેકપૂર્વક અર્થઘટન કરવાની ક્ષમતા હોય છે એવું કહેવાય છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

ભૌતિક વીકાસ અને નૈતિક અદ્યઃપતન વચ્ચેની ખાઈ આજે વકીલો દુર નહીં કરી શકે તો આવતી કાલે ન્યાયધર્મનો સૂર્ય અકાળે આથમી જશે ?!

બ્રિટીશ વૈજ્ઞાનિક માઈકલ ફેરોડ કહે છે કે, “લોકોને ગમે તેવા પ્રવચનો કશું જ શિખવતા હોતા નથી અને કશુંક શિખવે તેવા પ્રવચનો લોકોને ગમતા નથી”!! અમેરિકન વૈજ્ઞાનિક માર્ટીન એચ. ફિશર કહે છે કે, “તમારા પૂર્વગ્રહને ગળા નીચે ઉતારી દેવાની પ્રક્રીયા એટલે શિક્ષણ”!!

ભારતમાં ઠેર, ઠેર મંદિરો છે ! જુદા જુદા ધર્મના ધાર્મિક સ્થાનો છે ! દેશમાં ભૌતિક વિકાસ તરફ આગેકુચ કરી રહ્યો છે ! દેશમાં ભવ્ય રામમંદિર બની ગયું અને પુર્ણાહુતિ પણ થઈ ગઈ ! પરંતુ ભારતમાં બીજી બાજુ “સત્તા માટે અને સત્તા વડે જે પ્રવૃત્તિ થઈ રહી છ ે ! દેશમાં ડ્રગ્સનો ધંધો કથિત રીતે વિકસ્યો છે ! દુરાચાર અને સાઈબર ક્રાઈમ વિકસ્યોછે ! તેના પર રાજય સરકારો અને કેન્દ્ર સરકારોનું મજબુત વહીવટી તંત્ર હોવા છતાં ગુન્હાહીત પ્રવૃત્તિનો વિકાસ થયો છે !

દેશના ચાર મઠોના શંકરાચાર્યશ્રીઓ એ સનાતન ધર્મની ધરોહર ગણાય ! પરંતુ તેમને બાજુ પર મુકીને નવા સરકારી સંતોને મેદાનમાં ઉતારાયા છે ! ત્યારે તેઓ ભારતમાં નૈતિક અદ્યઃ પતન અટકાવવા સક્ષમ છે ખરાં ?! દેશ કઈ તરફ જઈ રહ્યો છે ?!

આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામના મહાન વૈજ્ઞાનિક કહે છે કે, “ધર્મ શું હોવું જોઈએ એ શિખવે છે ! જયારે વિજ્ઞાન શું છે તે શિખવે છે”! જયોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરશ્વતી કહે છે કે, “હિન્દુ રાષ્ટ્ર નહીં પણ “રામરાજય” હોવું જોઈએ”! તેમણે બહું મોટી વાત કરી છે !

શબરીના હાથે તેના એંઠા બોર ખાઈ શકે ! અને રાવણને વિદ્વાન બ્રાહમણ તરીકે સ્વીકારી સેતુ બાંધી રામેશ્વર માટે પુજાવિધિ કરાવી આર્શિવાદ માંગી શકે એનું નામ “રામરાજય” આજે દેશમાં અભૂતપૂર્વ પ્રગતિના માર્ગે હોવાનો દાવો કરાય છે ! પરંતુ યુવાનોનું નૈતિક અદ્યઃપતન અને બેફામ ગુન્હાખોરી, સરકારો અટકાવી શકતી નથી ! ચાર દિશાના ચાર શંકરાચાર્યાે જેમાં બીજા પુરીના શંકરાચાર્ય પણ છે ! સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ “રામરાજય” પર ભાર મુકે છે !

“રામરાજય” એટલે સર્વેને સમાન ન્યાય અને નૈતિકતાસભર એવું રાજય ! જયારે “ધર્મનું રાજય” એટલે શ્રીક્રિશ્નનું કર્તવ્યતાનો સંદેશો આપતું “ન્યાયધર્મ” નું રાજય !

“રામરાજય” એટલે વિસ્તારવાદનું કે સત્તાના વિકાસનું રાજય નહીં ! પરંતુ સાતત્યનું પ્રતિબિંબ ઉજાગર કરતું સર્વેને સમાન ન્યાય આપતું રાજય ! પ્રેમ, સાદગી અને પવિત્રતાનો સંદેશો આપતું રાજય ! જયારે શ્રી ક્રિશ્નનો શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાના સંદેશાનું રાજય એટલે “કર્તવ્ય એ જ ધર્મ” અને “ન્યાયધર્મ એ જ ઉત્તરદાયિત્વનું રાજય”! આ જોતાં વિશ્વનું અવલોકન કરતા વિશ્વમાં નથી કયાંય “રામરાજય” કે નથી “શ્રી ક્રિશ્નનું ઉત્તરદાયિત્વનું રાજય”!

તો પછી ખોખલી વાતો કરી આ ધર્મને છાવરતું વિશ્વનું રાજકારણ આ ધરતી પર શું સંદેશો લઈને આવે છે ?! કદાચ વિશ્વ અનેક ધર્મથી જોડાયેલું છે માટે ત્યાં માનવીય મૂલ્યો કે માનવીય નૈતિકતા એકસૂત્રમાં બંધાતી ન હોય ! પરંતુ જયાં શ્રીરામ અને શ્રી ક્રિશ્ન જે ધરતી પર પેદા થયા છે ત્યાં મોટા, મોટા રામ મંદિરો છે ! મોટા મોટા શ્રી ક્રિશ્નના મંદિરો છે ! એવા ભારતમાં સોનાની લંકા બને તો શું કામની ?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.