Western Times News

Gujarati News

ઇઝરાયલની મદદથી ભારત ‘ઘાતક’ ડ્રોન બનાવશે

નવી દિલ્હી, ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરતા ઇઝરાયલી હેરોન એમકે-ટુ ડ્રોનની નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આૅપરેશન સિંદૂર બાદ લાગુ કરાયેલા કટોકટીના નિયમો હેઠળ શરૂ કરાયેલી આ પહેલ માત્ર દેખરેખની ક્ષમતાઓને જ નહીં વધારે, પરંતુ ભારતમાં જ આ હાઈ-ટેક ડ્રોનના નિર્માણનો માર્ગ પણ ખોલી શકે છે.

સૂત્રોનું કહેવું છે કે આ અદ્યતન યુએવીએસના ભારતમાં જ સ્થાનિક ઉત્પાદન પર પણ ચર્ચા ચાલી રહી છે. જેનાથી ટેન્કોલોજીનું સંપૂર્ણ હસ્તાંતરણ થઈ શકે છે અને સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને મજબૂત કરી શકાય છે. સેનાના ત્રણેય અંગો-થલસેના, વાયુસેના અને નૌસેનાએ આ ડ્રોન ખરીદવાનો નિર્ણય લીધો છે, જોકે નૌસેના દ્વારા ખરીદવામાં આવનાર ડ્રોનની ચોક્કસ સંખ્યા હજી જાહેર કરવામાં આવી નથી.

ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત આ હેરોન એમકે-ટુ એક મધ્યમ ઊંચાઈ અને લાંબી દૂરી સુધી ઉડાન ભરવામાં સક્ષમ માનવરહિત વ્હીકલ છે. આ ડ્રોન ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરી શકે છે અને તેની મહત્તમ ઝડપ ૧૫૦ નોટ છે, જે તેને સતત ૪૫ કલાક સુધી હવામાં રહેવા માટે સક્ષમ બનાવે છે. તેમજ તે ૧૪૩૦ કિલોગ્રામ સુધીનું વજન વહન કરી શકે છે.

આ ડ્રોન મુખ્યત્વે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર લાંબી દૂરીની દેખરેખ માટે તૈનાત કરવામાં આવે છે, જ્યાં તે અત્યંત અસરકારક સાબિત થયા છે.ચીન સાથે પૂર્વી લદ્દાખમાં એલએસી પરના તણાવ બાદ ભારતે ૨૦૨૧માં હેરોન એમકે-ટુ ડ્રોન ખરીદવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં થલસેના અને વાયુસેના માટે બબ્બે ડ્રોનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના વર્ષાેમાં ખરીદી વધારવામાં આવી છે.

આઈએઆઈના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યે ખૂબ જ જાગૃત છે અને ભારતીય જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરી રહ્યા છે.

મુખ્ય ધ્યાન હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એલકોમ વચ્ચેની ભાગીદારી દ્વારા ભારતમાં એમકે-ટુનું ભારતીય સંસ્કરણ બનાવવાનું છે અને ભવિષ્યમાં અન્ય ડ્રોન પણ અહીં તૈયાર કરવાનો હેતુ છે.આ ઉપરાંત, ભારતીય વાયુસેના અને સંરક્ષણ મંત્રાલય હાલમાં હાજર હેરોન કાફલાની દેખરેખ અને લડાયક ક્ષમતાઓને વધુ સારી બનાવવા માટે પ્રોજેક્ટ ચિતા પર પણ કામ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.