કોહલી જેવો વર્લ્ડ ક્લાસ ખેલાડી લય મેળવે પછી રોકવો મુશ્કેલઃ યાનસેન
રાંચી, પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમના ઓલરાઉન્ડર માર્કાે યાનસેને રાંચીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલીની બેટિંગના વખાણ કર્યા છે. યાનસેનના મતે કોહલી જેવો વર્લ્ડ ક્લાસ બેટ્સમેન જ્યારે પોતાની લય મેળવે છે ત્યારબાદ તેને રોકવો મુશ્કેલ છે. કોહલીએ રાંચીમાં આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં ૧૨૦ બોલમાં ધમાકેદાર ૧૩૫ રનની ઈનિંગ્સ રમી હતી.
આ સાથે જ કોહલીએ વન-ડેમાં ૫૨મી સદી ફટકારી હતી અને ભારતના જ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો વન-ડેમાં ૫૧ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીની સદીની મદદથી ભારતે આફ્રિકા સામે રવિવારે પ્રથમ વન-ડેમાં ૧૭ રને વિજય મેળવ્યો હતો અને ત્રણ વન-ડેની સિરીઝમાં ૧-૦ની લીડ પણ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર યાનસેને કહ્યું કે, ભારતનો સ્ટાર બેટ્સમેનની લાંબી ઈનિંગ્સ રમવાની ક્ષમતાને લીધે તેની વિરુદ્ધ બોલિંગ કરવી હરીફ ટીમ માટે માથાનો દુઃખાવો બની રહે છે. વર્લ્ડ ક્લાસ બેટ્સમેન બેટિંગ કરવા ઉતરે છે ત્યારે બોલર માટે પ્રારંભમાં થોડી તક રહે છે. કોહલી સહિતના દિગ્ગજ બેટ્સમેનોને હું શરૂઆતના ૧૦-૧૫ બોલમાં આઉટ કરવા પ્રયાસ કરું છું.
આ જ સમય ગાળામાં તેઓ વિકેટથી વાકેફ થઈ રહ્યા હોય છે. એક વખત તે પોતાની લય પ્રાપ્ત કરી લે છે પછી તેમને રોકવાનો બોલર્સ સામે પડકાર રહે છે. બોલર્સે આ સમયે વિકેટ ખેરવવા બીજો અને ત્રીજો વિકલ્પ અજમાવવો પડે છે.
યાનસેનના મતે વર્તમાન યુગના મહાન ખેલાડીઓ સામે બોલિંગ કરવી અકળાવનારી અને મજેદાર બન્ને છે. આફ્રિકાના પેસરે સૌપ્રથમ વખતે ૧૭ વર્ષની વયે કોહલી સામે નેટ બોલર તરીકે બોલિંગ કરી હતી. કોહલીને રમતો જોવો એક લ્હાવો છે.
ટીવી પર તેને રમતો જોયા બાદ તેની સામે બોલિંગ કરવી તે અકળાવનારી અને મજા આવે તેવી બાબત છે. તે લાંબી ઈનિંગ્સ રમી શકે છે અને તેનામાં હજુ પણ રનની ભુખ છે. યાનસેન દક્ષિણ આફ્રિકાનો પ્રમુખ બોલર હોવા ઉપરાંત બેટિંગમાં પણ પોતાની કુશળતા પુરવાર કરતો જોવા મળે છે. આ અંગે તેણે કહ્યું કે, હું બોલને જોઈને શોટ રમું છું જે મારા માટે કામ કરી રહ્યું છે.
પ્રથમ વન-ડેમાં આફ્રિકાની ઝડપી વિકેટ પડવા છતાં મિડલ ઓર્ડર બેટ્સમેનોએ બાજી સંભાળતા મેચ રસપ્રદ બની હતી.ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીના વન-ડે ભવિષ્ય સામેની અટકળોને ફગાવી દીધી છે. કોટકના મતે કોહલીના વન-ડેમાં રમવા સામે કોઈ સવાલ જ ઊભો નથી થતો. તેની ફિટનેસ, ફોર્મ અને અસરને જોતા દિગ્ગજ ખેલાડીના ૫૦ ઓવરની ફોરમેટમાં રમવા સામે કોઈ પ્રશ્નાર્થ જ થતો નથી.
દક્ષિણ આળિકામાં યોજાનારા ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ કોહલી અને રોહિતના ભાવિ અંગે તર્કવિતર્ક ચાલે છે. હેડ કોચ ગૌતમ ગંભીર આગામી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં આ બંને સીનિયર ખેલાડીઓને તક આપશે કે કેમ તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કોહલી અંગે અકારણના ઉચાટથી વ્યથિત કોટકે કહ્યું કે, કોહલીના લાંબા સમય સુધી એક જ ફોરમેટમાં રમવાને લઈને શા માટે આટલો કકળાટ થઈ રહ્યો છે.
જો કોઈ ખેલાડી આટલી સારી બેટિંગ કરે છે તો તેના ભાવિની ચર્ચા શા માટે કરવી જોઈએ? ખેલાડીની ભૂમિકા, પ્રવર્તમાન સમયની ટેકનિક શીખવાની ધગસ અને અનુભવની બાબતમાં કોહલીનો મુકાબલો થઈ શકે તેમ નથી અને તે ટીમ માટે અનિવાર્ય ખેલાડી બની રહે છે તેમ ભારતીય ટીમના બેટિંગ કોચે ઉમેર્યું હતું.SS1MS
