Western Times News

Gujarati News

પરાળી સળગાવતા ખેડૂતો પ્રદૂષણ માટે એકલા જવાબદાર નથીઃ સુપ્રીમ

કોરોના મહામારી સમયે પણ પરાળીઓ સળગાવાતી હતી પરંતુ તે સમયે તો આકાશ સ્વચ્છ હતું, જે દર્શાવે છે કે પરાળી સળગાવવાને પ્રદૂષણનું એકમાત્ર કારણ ના ગણી શકાય.

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે દિલ્હીના પ્રદૂષણને લઇને સોમવારે કહ્યું હતું કે અમે પ્રદૂષણ મુદ્દે ચુપચાપ બેસી ના શકીએ. પ્રદૂષણ રોકવાના કોઇ ઉપાય જ નથી એવુ પણ માની લેવાની જરૂર નથી. એવુ પણ માની લેવાની જરૂર નથી કે પ્રદૂષણ એ માત્ર ઋતુ આધારીત છે.

આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે દિલ્હીના પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ના ઠેરવી શકાય.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાને કારણે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ થતું હોવાનો આરોપ લગાવાઇ રહ્યો છે એવામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે કોરોના મહામારી સમયે પણ પરાળીઓ સળગાવાતી હતી પરંતુ તે સમયે તો આકાશ સ્વચ્છ હતું, જે દર્શાવે છે કે પરાળી સળગાવવાને પ્રદૂષણનું એકમાત્ર કારણ ના ગણી શકાય.

અમે પરાળી સળગાવવાના મુદ્દા પર કોઇ જ ટિપ્પણી કરવા નથી માગતા, જે લોકો (ખેડૂતો) આ કોર્ટમાં હાજર જ નથી તેમના પર બધુ ભારણ નાખવું યોગ્ય નથી. આ સાથે જ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે લોન્ગ ટર્મ, શોર્ટ ટર્મ પ્લાન જોવા માગીએ છીએ, કેન્દ્રીય પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન, કેન્દ્ર સરકાર પાસેથી કાયમી ઉપાય માટેના આયોજન અંગે જવાબ માગ્યો હતો.

હવે આ મામલે ૧૦મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્ય ભાટીએ કહ્યું હતું કે પ્રદૂષણ પરાળી સળગાવવા, વાહનો દ્વારા થતું પ્રદૂષણ, કન્ટ્રક્શનની ધૂળ, રોડની ધૂળ વગેરેને કારણે થાય છે. જે દરમિયાન સીજેઆઇ કહ્યું કે અમે પરાળી સળગાવવા મુદ્દે ટિપ્પણી કરવા નથી માગતા, કેમ કે એવા લોકો કે જેનું આ કોર્ટમાં કોઇ જ નથી તેમના પર બોજ નાખવો સરળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.