Western Times News

Gujarati News

નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની બોટલો વડે હુમલો કરનાર ૪ની ધરપકડ

AI Image

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી નજીક આવેલા પાન પાર્લર પર ગ્રાહકો વચ્ચે ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઝઘડામાં આરોપીઓએ સોડાની ખાલી બોટલો ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે વાડજ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ ધરપકડમાં સૌથી મહત્ત્વનું એ છે કે, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લરના માલિક શ્રી રમેશચંદ્ર શર્માની દુકાન પર સાંજના સમયે મારામારીની ઘટના બની હતી.

દુકાન પર સામાન લેવા આવેલા એક ગ્રાહક અને પાછળથી આવેલા કેટલાક આરોપીઓ વચ્ચે સામાન લેવા જવામાં ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.

આ સામાન્ય બોલાચાલી થોડી જ ક્ષણોમાં ઉગ્ર બની ગઈ હતી અને અંતે તેણે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બોલાચાલી બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પાન પાર્લર પરની સોડાની ખાલી બોટલો ભોગ બનનાર વ્યક્તિ ઉપર છૂટી ફેંકીને હુમલો કર્યો હતો.

આ હુમલાના કારણે એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, સાથે જ પાન પાર્લરના ફ્રીજ અને અન્ય સામાનને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને તેના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી. વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. આર. ડાંગરના જણાવ્યાનુસાર, પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

જો કે, પોલીસ તપાસમાં મુખ્ય આરોપીનો સનસનીખેજ ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે. ચાર આરોપીઓ પૈકી, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. આ પૈકી એક હત્યાનો ગુનો સાબરમતી પોલીસ સ્ટેશનમાં અને બીજો ગુનો પાટણ જિલ્લાના સમી તાલુકામાં નોંધાયેલો છે.

પોલીસના મતે, વિજય તાજેતરમાં જ અમદાવાદ આવ્યો હતો અને તેના જૂના મિત્રો સાથે હતો, ત્યારે આ મારામારીની ઘટના બની હતી. હાલમાં પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.