ઈન્ડોનેશિયા-શ્રીલંકા-થાઈલેન્ડમાં ભયાનક પૂર-ભૂસ્ખલનને લીધે ૧૩૦૩ લોકોનાં મોત
બટાંગ તોરુ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડમાં ગત સપ્તાહે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને લીધે ૧૩૦૩થી વધુ લોકોના મોત થયા છે. તેમજ ૮૦૦થી વધુ લોકો લાપતા થયાના અહેવાલો સાંપડ્યા છે.
આ દરમિયાન ઈમરજન્સી ટુકડીઓ મંગળવારે જીવતા બચી ગયેલા લોકો સુધી પહોંચવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. કેટલાય દિવસો સુધી થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, જેના કારણે હજારો લોકો ફસાઈ ગયા અને કેટલાય લોકો મદદ માટે ઘરની છતો અને વૃક્ષો પર ચડી ગયા ગયા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂર અને ભૂસ્ખલનને લીધે ઓછામાં ઓછા ૧૩૦૩થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ઈન્ડોનેશિયામાં ૭૧૨ લોકો, શ્રીલંકામાં ૪૧૦ લોકો અને થાઈલેન્ડમાં ૧૮૧ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે કહ્યું કે, મૃતકોનો સાચો આંકડો જાણવામાં સમય લાગી શકે છે.
સૌથી વધુ પ્રભાવિત ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપના ગામો સુધી પહોંચવામાં બચાવ ટુકડીઓને ખૂબ મુશ્કેલ થઈ છે. ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના કહેવા મુજબ ઓછામાં ઓછા ૫૦૭ લોકો હજુ લાપતા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકની ઓફિસે જણાવ્યું છે કે, દિતવાહ વાવાઝોડા પછી ભારતે ત્વરિત ઈમરજન્સી રિસ્પોન્સના પ્રયાસોમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દિસાનાયકને સંવેદના પાઠવીને કહ્યું કે, ભારત આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકોની સાથે મજબૂત રીતે ઊભું છે. વડાપ્રધાન મોદીએ દિસાનાયકની સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ સહયોગ આપવાનો ભરાસો આપ્યો હતો.SS1MS
