ઊંઝાના ઉનાવામાં ગોડાઉનમાંથી ઇસબગુલની ૫૧૩ બોરીની ચોરી
ઊંઝા, ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલા ગોડાઉનમાંથી ૫૧.૩૦ લાખની કિંમતની ઇસબગૂલની ૫૧૩ બોરીની ચોરી થઈ હતી. આ અંગે ત્રણ જણા વિરુદ્ધ ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઊંઝા વાડીપરા ચોક વિસ્તારમાં રહેતા દેવલ નરેશભાઈ પટેલ ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેન્ક ખાતે ક્લાર્ક કમ કેશિયર ગોડાઉન કીપર તરીકે કામ કરે છે.
જેઓને મેસજ મળેલ કે રાત્રિના અગિયારેક વાગ્યે પોલીસે ઉનાવા ગામે એમપી ફાર્મ હાઉસની પાછળ આવેલા વ્હાઈટ હાઉસ નજીકથી બે જણાને શંકાસ્પદ હાલતમાં પીકઅપ ડાલામાં ઇસબગુલની બોરીઓ સાથે પકડેલા છે. જેથી તેઓએ લોન ઓફિસર સુમીતને લઈ વ્હાઈટ હાઉસ ગોડાઉન પહોંચ્યા હતા. બાદમાં તપાસ કરતા ગોડાઉનમાં મુકેલ ૯૩૮ પૈકી ૫૧૩ બોરીઓ કિં.રૂ. ૫૧.૩૦ લાખ મળી આવી ન હતી.
આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે દેવલ નરેશભાઈ પટેલના નિવેદનને આધારે રાજપૂત ગોટુસિંહ ઉર્ફ રાજુ પ્રેમસિંહ તથા રાજપૂત સેતાનસિંહ પ્રેમસિંહ (બંને રહે જાસકિયા પરુ, ઊંઝા) તેમજ આસલ માનસંગ હરજી (રહે. રંગપુર સમાજની વાડી, વૈજનાથ પરુ, ઊંઝા) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS
