Western Times News

Gujarati News

અમદાવાદ પૂર્વ ઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગની કડક કાર્યવાહી

AI Image

કુલ ૨૩૭ મિલકતોમાં રૂ. ૨.૯૬ કરોડના બાકી વેરાની બોજા નોંધ નોંધાઈ છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા બાકી વેરા વસૂલાતને ગતિશીલ બનાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

માસ ડિસેમ્બર દરમિયાન બાકી રહેલા કરદાતાઓની ૩૧ મિલકતો પર રૂ. ૧૦.૧૫ લાખના બાકી વેરાની કલેકટરશ્રીના રેકર્ડમાં બોજા નોંધ કરવામાં આવી છે. ચાલુ વર્ષના ૭-૧૨ના રેવન્યુ રેકર્ડ મુજબ ઝોનમાં કુલ ૧૧૦ મિલકતો બોજા નોંધની પ્રક્રિયા હેઠળ આવી છે, જ્યારે કુલ ૨૩૭ મિલકતોમાં રૂ. ૨.૯૬ કરોડના બાકી વેરાની બોજા નોંધ નોંધાઈ છે.

ટેક્સ વિભાગ દ્વારા મિલકતવેરાના બાકીદારો સામે હરાજી પ્રક્રિયા પણ તેજ ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૧ મિલકતોની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાંથી ૨ મિલકતોમાંથી રૂ. ૫.૭૮ લાખની વસૂલાત થઈ ચુકી છે. બાકીની ૯ મિલકતોની સ્થળ ઉપર હરાજી પૂર્ણ કરીને છસ્ઝ્રના નામે રેકર્ડ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. વિભાગ દ્વારા વધુ ૧૪ નવી મિલકતોને પણ હરાજી પ્રક્રિયા માટે સૂચિત કરવામાં આવી છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઝોન)શ્રીના માર્ગદર્શન હેઠળ બાકી વેરા રહેલા કરદાતાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વેરા ન ચુકવનાર મિલકતો સામે બોજા નોંધ ફરજિયાત બનાવવા આવી છે, જેના અમલ બાદ બાકી વેરા ભર્યા વિના મિલકતનું ટ્રાન્સફર કોઈ રીતે શક્ય રહેતું નથી.

પૂર્વ ઝોન પ્રોપર્ટી ટેક્સ વિભાગે જણાવ્યું છે કે ભવિષ્યમાં વેરા ન ચૂકવનાર કરદાતાઓ સામે વધુ કડક અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં મિલકતના સીલિંગ, નળ–ગટર જોડાણ તોડી પાડવા, સરકારશ્રીના ચોપડે બોજા નોંધ, હરાજી તેમજ જરૂરી હોય તો પોલીસ ફરિયાદ જેવી કાનૂની પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.