અમદાવાદમાં અલ હબીબ રેસિડેન્સીમાં મહિલા પર ચપ્પુથી હુમલો
ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદ, અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી અલ હબીબ રેસિડેન્સીમાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં જૂની અદાવતના પગલે દુકાનમાં બેઠેલી એક મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર યુવાનો મહિલાને ચપ્પુના ઘા મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલની અલ હબીબ રેસીડેન્સીમાં આવેલી દુકાનમાં એક મહિલા હાજર હતી. આ દરમિયાન, મઝહર કુરેશી અને તેની સાથેના અન્ય એક અજાણ્યા શખ્સે ચપ્પુ સાથે દુકાનમાં ઘૂસી આવીને મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મહિલાને ચપ્પુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જણાવ્યું છે કે, આ હુમલો જૂની અદાવતને કારણે કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ગંભીર હુમલા અંગે નારોલ પોલીસે આરોપીઓ મઝહર કુરેશી અને અન્ય અજાણ્યા ઇસમ વિરુદ્ધ કેસ નોંધીને ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસના શરૂ કરી છે.
પીડિત મહિલાની દીકરી સૈયદા સિયાના બાનોએ હુમલાની ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તેમની મમ્મી પર મઝર કુરેશી અને તેની સાથેના એક ઊંચા, જાડા, અને થોડાક મોટા એવા બીજા છોકરાએ નારોલમાં અલ હબીબ રેસિડેન્સી ખાતે આવેલી તેમની દુકાનની બરાબર બહાર, આશરે સવારે ૧૦ વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો. બંને છોકરાઓ આવ્યા અને તેમની માતાને ઘણી બધી છરીઓ મારી દીધી.
પીડિતાની દીકરીના જણાવ્યા મુજબ, હુમલાની આ સમગ્ર ઘટના તેમની દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં પૂરેપૂરી કેદ થઈ છે.
હુમલાના કારણે તેમની માતાને પેટમાં ત્રણ-ચાર સહિત કુલ આઠથી નવ ઘાવ આવ્યા છે અને હાથમાં પણ ઘાવ છે. તેમની માતાની હાલત અત્યારે ગંભીર છે અને તે ઓપરેશન થિયેટરમાં છે. ડોક્ટરે તેમને જણાવ્યું છે કે હુમલામાં તેમની કિડની પણ ઈજાગ્રસ્ત થઈ છે અને ચાકુ આંતરડાં સુધી ઘૂસી ગયું હતું, જેને કારણે આ આંતરડાં હવે કોઈ કામના રહ્યા નથી.
હુમલાની પાછળનું કારણ જણાવતાં સૈયદા સિયાના બાનોએ કહ્યું કે પહેલાથી જ થોડી ઘણી માથાકૂટ ચાલી રહી હતી. મુખ્ય વિવાદ એ હતો કે હુમલાખોરોએ તેમનું ઘર કબજે કરી લીધું હતું, અને આ જ મામલે તેમની વચ્ચે લડાઈ ચાલી રહી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમની માતા તો ક્્યારેય બોલવા પણ નહોતી જતી, પરંતુ હુમલાખોરોનું કામ જ લોકોના ઘર પર કબજો કરવો, મારપીટ કરવી, અને ગાય કાપવા જેવા ગેરકાયદેસર કામો કરવાનું છે. આ મામલે જ તેમણે તેમની માતાને નિશાન બનાવી હતી. પીડિતની દીકરીએ ભારપૂર્વક ઇન્સાફની માંગણી કરી છે, અને કહ્યું છે કે તે બંને હુમલાખોરોને ફાંસીની સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે તેમની માતા તેમના ઘરનો મજબૂત પિલ્લર છે, અને તેમના સિવાય તેમનો કોઈ આધાર નથી. જો તેમને કંઈક થઈ જશે તો તેમનો પરિવાર વેર-વિખેર થઈ જશે. તેમણે વિનંતી કરી કે તે બંનેને કોઈપણ સંજોગોમાં છોડવા ન જોઈએ.
