ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે ૩ વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર
અનેક ધક્કા ખાવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતર બાદ હવે પાકને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. મકાઈના પાકને બચાવવા માટે ખેડૂતો રાત-દિવસ એક કરીને ખાતર મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે.
વહેલી સવારથી જ છોટાઉદેપુરના ‘પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર’બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ખેડૂતો રાત્રે ૩ વાગ્યાથી લાઈનમાં ઉભા રહીને ખાતર મળવાની આશા રાખી રહ્યા છે.
જોકે, અનેક ધક્કા ખાવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ખાતર ડેપો પર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતોને ખાતરની એક થેલી મેળવવા માટે અડધી રાતથી જ લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી છે. રાત્રી દરમિયાન લાઈન લગાવ્યા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર મળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
ડેપો પર જથ્થાનો અભાવ અને ખેડૂતોની રઝળપાટ વાવણીના સમયે જ્યારે પાકને ખાતરની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ જિલ્લાના ખાતર ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી. જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે એક ગામથી બીજે ગામ અને એક ડેપોથી બીજા ડેપો પર રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. ખાતર સમયસર ન મળવાને કારણે પાક ઉત્પાદન પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને જગતનો તાત ગંભીર ચિંતામાં મુકાયો છે.
આ અંગે લાઈનમાં ઉભેલા ખેડૂત જીનાભાઈ ફતુ ભાઈ રાઠવાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘મકાઈના પાકમાં અત્યારે ખાતર નાખવું ખૂબ જરૂરી છે. હું છેલ્લા ૩ દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું. અગાઉ તેજગઢ અને જેતપુર પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ ખાતર ન મળ્યું. આજે અહીં આવ્યો છું, જો મળી જાય તો ઠીક છે, બાકી પાકને નુકસાન થવાની ભીતિ છે.’
જ્યારે અન્ય એક વૃદ્ધ ખેડૂત રાઠવા પારસિંગભાઈ હમજીયાભાઈ (રહે. બાલાવટ) એ જણાવ્યું હતું કે, ‘હું ૩૦ કિલોમીટર દૂર બાલાવટ ગામથી આવ્યો છું. રાત્રે ૩ વાગ્યે ઉઠીને અહીં લાઈનમાં ઉભો છું. આ મારો ત્રીજો ધક્કો છે. ખાતરની ગાડી આવી છે પણ પૂરતો જથ્થો મળશે કે કેમ તે નક્કી નથી. રાત ઉજાગરા કરીને લાઈનમાં ઉભા રહેવું પડે છે, જેનાથી અમને ખૂબ તકલીફ પડી રહી છે.’
એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ જ્યારે પાકને ખાતરની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડે છે. તંત્ર દ્વારા સત્વરે પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
