સિમેન્ટના થાંભલા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા બે યુવાનોનાં અકસ્માતથી મોત
AI Image
અકસ્માત બાદ ઈકોસ્પોટનો ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મૂકીને ફરાર-ડીસાના આખોલ-ગલાલપુરા માર્ગ પર કારની ટક્કરે બાઈક પર સવાર બે યુવાનોનાં મોત
ડીસા, આખોલ ગલાલપુરા માર્ગ પર ગત રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં દશરથભાઈ મોતીભાઈ માજીરાણા (ઉ.વ. આ. ૨૫, રહે. લવાણા, તા. લાખણી) અને અલ્પેશભાઈ હિંમતભાઈ બીલવાળ (રહે. ખરેડી, તા. દાહોદ)નો સમાવેશ થાય છે. પોલીસે ઈકોસ્પોટ ગાડીના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, મૃતક દશરથભાઈ અને અલ્પેશભાઈ બન્ને લવાણા ગામના જયંતીભાઈ સુથારની ગલાલપુરા સ્થિત સિમેન્ટના થાંભલા બનાવવાની ફેક્ટરીમાં મજુરી કરતા હતા. ગત રાત્રે તેઓ તેમના હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ (નં. જીજે.૦૮.એ.એચ.૬૩૯૭) પર આખોલથી ગલાલપુરા તરફ આવી રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી ફોર્ડ ઈકોસ્પોટ ગાડી (નં. જીજે-૦૧-એચ.વી-૦૯૦૬) ના અજાણ્યા ચાલકે મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ઈકોસ્પોટનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે મૂકીને તુરંત નાસી છૂટયો હતો.
અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં દશરથભાઈ અને અલ્પેશભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલ-સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન દશરથભાઈએ આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે અલ્પેશભાઈનું ઘટના સ્થળે અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક દશરથભાઈના મોટા ભાઈ ભુદરભાઈ મોતીભાઈ માજીરાશાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ઈકોસ્પોટ ગાડીના ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ કરીને કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે. બંને મૃતકોના મૃતદેહને હાલ ડીસા સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
