Western Times News

Gujarati News

બોરસદમાં બાઈક જોઈને ચલાવવાનું કહેનારની હત્યા કરનારને આજીવન કેદ

આણંદ, બોરસદ ભોભાફળી નજીક ત્રણ વર્ષ અગાઉ બાઈક અડી જતા જોઈને ચલાવવાનું કહેનાર યુવાન સાથે ઝઘડો કરી એકએ તેને પકડી રાખ્યો હતો અને બીજાએ તેની ચપ્પુ મારી હત્યા કરી હતી. આ કેસ આજે ચાલી જતા આણંદની કોર્ટે ચપ્પુ મારનાર યુવાનને કસુરવાર ઠેરવી આજીવન કેદ અને દંડ ફટકાર્યાે છે. જ્યારે તેના જોડીદારને શંકાનો લાભ આપી છોડી મુક્યો છે.

બોરસદ શહેરમાં ભોભાફળી મદ્રેસા પાસે સોહેલમહમંદ સમીરમહમંદ મલેક અને શહેબાજ મલેક બંને જણા તા. ૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે મહમંદસોહેબ ઉર્ફે ભાણો સબ્બીરોદીન મલેક અને મુસ્તુફામીયા ઉર્ફે બાબુલભાઈ બદરુદીન મલેક બંને જણા બાઈક લઈને પાછળથી આવતા હતા અને સોહેલના બાઈકને અથડાવ્યું હતું.

એટલે આ બાબતે શહેબાજ ઉર્ફે ભાણાને બાઈક જોઈને ચલાવો તેવો ઠપકો આપ્યો હતો. ત્યારે સોહેબે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી હતી. આ દરમિયાન મુસ્તુફામીયા ઉર્ફે બાબુલે ગાળો બોલી જાનથી મારી નાંખાવની ધમકી આપી હતી.

અને તેણે શહેબાજને પકડી રાખ્યો હતો. જ્યારે સોહેબ ઉર્ફે ભાણાએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી શહેબાજને જમણી બાજુએ પેટની નીચેની સાથળ ગુપ્ત ભાગ નજીક મારી દીધું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. બોરસદ શહેર પોલીસે આ બનાવ અંગે સોહેબમહમંદ મલેકની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૨, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જીપીએક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યાે હતો. અને તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું.

આ કેસ આણંદના ચોથા એડીશ્નલ સેસન્સ જજ જે. આર. પંડિતની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.. જ્યાં સરકારી વકીલ એ.એસ.જાડેજા હાજર રહ્યા હતા તથા ફરિયાદી તરફથી વકીલ એ.કે.મલેકને પણ રોકવામાં આવ્યા હતા. સરકારી વકીલે ૧૫ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૪૮ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.

તથા પોતાની દલીલો રજુ કરી હતી. બંને પક્ષોની દલીલો પુર્ણ થયા બાદ કોર્ટ આરોપી નં. ૨ મુસ્તુફામીયા ઉર્ફે બાબુભાઈ બદરુદીન મલેકને ઇપીકો કલમ ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જીપીએક્ટની કલમ ૧૩૫ના ગુનામાં નિર્દાેષ ઠરાવી ઈપીકો કલમ ૩૦૨, ૧૧૪ ના ગુનામાં શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યાે હતો.હત્યા કરનાર મહમંદસોહેબ ઉર્ફે ભાણો સબ્બીરોદીન મલેકને ઇપીકો કલમ ૩૦૨ના ગુનામાં કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદ અને રૂ ૫ હજારનો દંડ ફટકાર્યાે છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી.

આ ઉપરાંત જીપીએક્ટની કલમ ૧૩૫ મુજબ તેને છ માસની સાદી કેદ અને રૂ.૫૦૦નો દંડ ફટકાર્યાે હતો. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની કેદની સજાનો હુકમ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.