હળવદ માર્કેટયાર્ડના વેપારીની આંખમાં મરચું છાંટીને ૭ લાખની દિલધડક લૂંટ
મોરબી, હળવદના રાણેક્પર રોડ ઉપરથી વેપારી યુવાન રોકડા ૭ લાખ રૂપિયા થેલામાં લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે બૂકનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી રોકડ રૂપિયા ભરેલ થેલો લૂંટી લૂંટારૂઓ ત્યાંથી નાસી ગયા હતા. પોલીસે લુટરૂને પકડવા માટે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી અને હવે ભોગ બનેલા વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
હળવદમાં આવેલા આનંદ બંગલો સોસાયટીમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં વેપાર કરતાં વેપારી યુવાન રજનીકાંતભાઈ દેથરીયા ગઈકાલે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી પરત આવી રહ્યા હતા ત્યારે તેની પાસે થેલામાં રોકડા સાત લાખ રૂપિયા હતા તેઓ પોતાના બાઈક ઉપર પોણા આઠેક વાગ્યાના અરસામાં રાણેકપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરવામાં આવ્યા હતા અને તેની આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલા રોકડા રૂપિયા ભરેલો થેલો લૂંટીને બંને અજાણ્યા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ બનાવની તાત્કાલિક હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને યુવાન પાસેથી માહિતી મેળવીને લૂંટરૂઓ જે દિશામાં ભાગ્ય હતા તે દિશામાં તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા નાકાબંધી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
તેમજ વેપારી યુવાનને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હોય તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે વેપારી યુવાનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.SS1MS
