Western Times News

Gujarati News

હાઈસ્કોરિંગ મેચમાં દક્ષિણ આફ્રિકાનો ચાર વિકેટે વિજય

રાયપુર, દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં લડાયક મિજાજ બતાવ્યો હતો. એઈડન માર્કરમની આક્રમક સદી ઉપરાંત બ્રીટ્‌ઝકે અને બ્રેવિસની ફિફ્ટીની મદદથી પ્રવાસી ટીમે ૪૯.૨ ઓવરમાં જ ભારતનો ૩૫૯ રનનો ટારગેટ છ વિકેટે સરળતાથી પાર કરી લીધી હતો. હાઈસ્કોરિંગ મેચમાં ભારતીય બોલર્સને ભેજનું પરિબળ નડ્યું હતું અને સાથે જ નબળી ફિલ્ડિંગ પણ ભારત માટે પરાજયનું કારણ સાબિત થઈ હતી.

ભારતે અગાઉ વિરાટ કોહલીના ૧૦૨ તથા ઋતુરાજ ગાયકવાડના ૧૦૫ રનની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટે ૩૫૮ રનનો મજબૂત સ્કોર રજૂ કર્યાે હતો.

પ્રસિદ્ધ ક્રિષ્ના સહિતના ભારતીય બોલર્સ નિસ્તેજ જણાયા હતા અને મહત્વના સમયે વિકેટ ના ઝડપી શકતા કોહલી અને ઋતુરાજની સદી પણ પાણી ફરી વળ્યું હતું. જવાબમાં દક્ષિણ આળિકાએ માર્કરમની ૯૮ બોલમાં ૧૧૦ રનની લડાયક સદીના સહારે ભારતની ધરતી પર ભારત સામે રમતા ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્ત બીજો સર્વાધિક વન-ડે લક્ષ્યાંક ચેઝ કરવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો.

રાયપુરમાં ભારત અને દ. આફ્રિકાની ટીમોએ સંયુક્ત ૭૨૦ રન નોંધાવ્યા હતા જે બંને ટીમો વચ્ચે વન-ડેમાં સર્વાધિક કુલ રન થયા છે. દક્ષિણ આફ્રિકાએ બીજી વન-ડેમાં ચાર વિકેટે જીત મેળવીને સિરીઝમાં ૧-૧ની બરાબરી કરી હતી. શ્રેણીની અંતિમ વન-ડે છઠ્ઠી ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. આફ્રિકાએ શરૂઆતમાં ફોર્મ વિહોણા ઓપનર ક્વિન્ટન ડી કોક (૮)ની વિકેટ ગુમાવી હતી.

ત્યારબાદ માર્કરમનો સાથ દેવા સુકાની ટેમ્બા બવુમા ત્રીજા ક્રમે ઉતર્યાે હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે ૧૦૧ રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીના સહારે આફ્રિકા જીતનો પાયો નાંખી શક્યું હતું. એઇડન માર્કરમે ૧૦ ચોગ્ગા તથા ચાર છગ્ગા સાથે ૧૧૦ રન ફટકાર્યા હતા. બવુમા ૪૬ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. મેથ્યુ બ્રીટ્‌ઝકે સાતત્યપૂર્વક બેટિંગ કરીને ૬૪ બોલમાં ૬૮ રનનું યોગદાન આપ્યું હતું. તેણે માર્કરમ સાથે ચોથી વિકેટ માટે ૭૦ રન જોડ્યા હતા. ૩૦મી ઓવરમાં હર્ષિત રાણાએ માર્કરમને ગાયકવાડના હાથે કેચ આઉટ કરાવ્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

ડેવાલ્ડ બ્રેવિસની તોફાની ફિફ્ટી (૩૪ બોલમાં ૫૪)ના સહારે આફ્રિકા જીતની નજીક પહોંચી ગયું હતું. ટોની ઝોર્ઝી ૧૧ બોલમા ૧૭ રન કર્યા અને પગના સ્નાયુ ખેંચાતા રિટાયર્ડ હર્ટ થયો હતો. કોર્બિન બોશે (૨૯*) વિજયી ચોગ્ગો ફટકાર્યાે હતો. મહારાજ સામે છેડે ૧૦ રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૮.૨ ઓવરમાં ૮૫ રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી.

અર્શદીપે પણ બે વિકેટ લીધી હતી. હર્ષિત રાણા તથા કુલદીપને એક વિકેટ મળી હતી. ભારતીય ફિલ્ડર્સે આફ્રિકાના બેટ્‌સમેનને અનેક તક આપી હતી જે ભારે પડી હતી. જયસ્વાલે કુલદીપની ઓવરમાં બાઉન્ડ્રી પર માર્કરમનો કેચ છોડ્યો હતો. તે વખતે માર્કરમ ૫૩ રન પર રમતો હતો.

માર્કરમે ભારત વિરુદ્ધ પ્રથમ અને એકંદરે ચોથી વન-ડે સદી ફટકારીને આફ્રિકાને જીત તરફ દોરી ગયો હતો.ટોસ જીતીને આફ્રિકાએ ભારતને પ્રથમ બેટિંગનું નિમંત્રણ આપ્યું હતું. ભારતે પ્રારંભમાં રોહિત (૧૪) અને જયસ્વાલ (૨૨)ની વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલીએ ૯૩ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૨ રન ફટકાર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.