અભિષેક બચ્ચન ઇન્ડસ્ટ્રીનો સૌથી સફળ આન્ત્રપ્રિન્યોર
મુંબઈ, બોલિવૂડમાં હવે ભાગ્યે જ કોઈ કલાકારો એવા છે, જેઓ માત્ર એક્ટિંગની આવક પર જ નભતા હોય. મોટા ભાગના કલાકારો હવે વિવિધ ક્ષેત્રે રોકાણ અને અન્ય રોજગારમાં પણ જોડાયેલા છે. તેમાં અભિષેક બચ્ચનની ગણતરી સૌથી સફળ આન્ત્રપ્રિન્યોરમાં થાય છે, જેનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ઘણો વૈવિધ્યવાળો છે, જેમાં રીઅલ એસ્ટેટથી લઇને સ્પોટ્ર્સ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણનો સમાવેશ થાય છે.
અભિષેક બચ્ચને તેની કૅરિઅરમાં ઘણા ચડાવ ઉતાર જોયાં છે, તે ઘણી એવી ફિલ્મનો ભાગ પણ રહ્યો છે, જે સમયની કસોટી પર પાર ઉતરીને આજે પણ યાદગાર ગણાય છે, જ્યાર ઘણી એવી ફિલ્મનો ભાગ પણ રહ્યો છે, જેમાં ઓડિયન્સને જરા પણ રસ ન પડ્યો હોય.
સફળ માતાપિતાના સંતાન કે પછી નિષ્ફળ ફિલ્મના દબાણનો ભોગ બન્યા વિના કે પોતાનું કામ છોડીને ચાલ્યા જવા કરતા તેણે શાંતિથી બિઝનેસની દુનિયામાં પણ પોતાની મહેનત ચાલુ રાખી છે. તેનું સૌથી જાણીતું રોકાણ રમત-ગમતની દુનિયામાં છે, તેમાં તેની ફૂટબોલ અને કબ્બડી ટીમનો સમાવેશ થાય છે.
તેણે આ સિવાય પણ ઘણા અન્ય ઉદ્યોગોમાં રોકાણ કર્યું છે.અભિષેક અને અમિતાભ બચ્ચન ઘણી વખત રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરવા માટે સમાચારોમાં રહ્યા છે, દાખલા તરીકે, તેમની પાસે અયોધ્યામાં પણ ઘણી મિલકત છે. અભિષેક બચ્ચન પોતાની કૅરિઅરમાં ઘણો વહેલો સમજી ગયો હતો કે બોલિવૂડ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જેમાં તમને સફળતા મળે છે, તે ઘણી ક્ષણિક હોય છે. તેથી તે પોતાનો બધો જ આધાર એક જ કામ પર ન રાખી શકે. તેથી તેણે બહુ વહેલાં અલગ અલગ ક્ષેત્રે રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
તેમાં તેનું જગજાહેર રોકાણ જયપુર પિંક પેન્થર્સ કબડ્ડી ટીમમાં છે. અભિષેક બચ્ચનની આ ટીમે કબડ્ડી ટુર્નામેન્ટમાં ઘણી સફળતાઓ જોઈ છે, તેઓ બે વખત ચેમ્પિયનશિપ જીતી ચુક્યા છે, અભિષેકે જણાવ્યું હતું કે તેની આ તકો અંધારામાં તીર જેવી હતી. એક જુના ઇન્ટરવ્યુમાં અભિષેકે પોતાની ટીમ અને આ ટીમ કઈ રીતે ઓછા બજેટમાં બની તે અંગે વાત કરી હતી.
તેણે એવું પણ કહ્યું હતું કે તેણે માત્ર એક જ વખત તેના આ રોકાણમાંથી કેટલું વળતર મળ્યું એ ગણ્યું હતું અને એ પણ એટલા માટે કે એ વખતે તેને થોડી રોકડ ઉપાડવાની જરૂર પડી હતી. પરંતુ હવે તેને આવું કરવાનો કોઈ ઇરાદો નથી.
અભિષેકે કહ્યું, “મને લાગ્યું કે લોકોને આ જોવું હશે. મને બસ એવું લાગેલું. મને લાગ્યું કે આ કામ કરશે.”અભિષેકે ઘણી વખત એવું પણ કબૂલ્યું કે તેણે આ ટીમ બિલકુલ જૂજ બજેટમાં બનાવી હતી, તેણે ક્યારેય મીડિયાને તેના આંકડા જાહેર કર્યા નથી, પરંતુ તેણે એમ પણ કહ્યું છે કે તેને આજે તેના રોકાણનું સો ગણું વળતર મળે છે.
૨૦૨૩માં એવી ચર્ચા હતી કે અભિષેક આ ટીમમાં તેનો હિસ્સો કોઈ બીજાને પણ આપી શકે છે. પરંતુ આ ઇન્ટરવ્યુ દરમિયાન તેણે બધી જ અફવાઓને રદિયો આપી દીધો હતો. તેણે ઇન્ટરવ્યુમાં જણાવેલું, “મને જ્યારે એમ થયું કે હું હવે ફંડ કરી શકું એમ નથી, ત્યારે હું હિસ્સાનો ભાગ પાડીશ.
મારા માટે આ કામ ઘણું અંગત છે, કબડ્ડી મારા દિલથી ઘણી નજીક છે, મને જ્યાં સુધી આ અનુભૂતિ રહેશે, ત્યાં સુધી હું અને મારો પરિવાર તે ચલાવતા રહીશું અને તેનો ખર્ચ ઉઠાવતા રહીશું. હું તેને ૧૦૦ ટકા મારા ભાગે જ રાખવા માગું છું.”અભિષેકે એક ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે લીગમાં કબડ્ડી ટીમનું સીધું રોકાણ ૧૦૦ કરોડનું હોય છે, એ તો મૂળ રકમ હતી. હવે એનું વળતર ૧૦૦ ગણું મળે છે.SS1MS
