શોપિંગ ફેસ્ટિવલનો 5 ડિસેમ્બરથી પ્રારંભ થશે: ભવ્ય આતશબાજી અને બલુન પણ ઉડાડવામાં આવશે,
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો 5 ડિસેમ્બરથી પ્રારંભ થશે
ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સમાં 15% થી 35% સુધીના ડિસ્કાઉન્ટ્સ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે, ફેસ્ટિવલ દરમિયાન AMTS અને BRTSમાં નિ:શુલ્ક મુસાફરીની સગવડ સાથે ખાસ ડીલ્સ અને લકી ડ્રોઝની તક મળશે : દેવાંગ દાણી
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ: 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને 12થી વધુ હોટસ્પોટ ઝોન્સને તૈયાર કરવામાં આવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025-26’નો ભવ્ય પ્રારંભ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 5 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના સિંધુભવન રોડ પાસે આવેલા મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસેના પ્લોટ ખાતેથી થશે.
આ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે. આ અવસરે ભવ્ય આતશબાજી અને બલુન પણ ઉડાડવામાં આવશે, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
16 જાન્યુઆરી 2026 સુધી ચાલનારો આ રિટેલ, લાઈફસ્ટાઇલ અને એન્ટરટેઇનમેન્ટનો વિશાળ મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને સાકાર કરવાની સાથે શહેરના વેપાર અને પર્યટન ક્ષેત્રમાં નવી ઉર્જા આવશે. આ ફેસ્ટિલવનું ઉદ્ઘાટન પ્રસંગે જાણિતા બેન્ડ કબીર કાફેનું લાઈવ પર્ફોર્મન્સ યોજાશે. થશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) અંતર્ગત શહેરના 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને 12થી વધુ હોટસ્પોટ ઝોન્સને તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા-રામબાગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન, મણેકચોક સહિતના વિસ્તાર અને શહેરના અગ્રણી મોલ્સનો સમાવેશ થાય છે.
સમગ્ર શહેરમાં શોપિંગ, મનોરંજન, ફૂડ અને આર્ટીઝન માર્કેટનો અદ્દભૂત સમન્વય જોવા મળશે. આ ફેસ્ટિવલ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ્સ, લાઇવ મ્યુઝિક શોઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોમેડી અને કાવ્ય સંધ્યા, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ઝોન સહિત અનેક કાર્યક્રમો નાગરિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.
શહેરના નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટૂર્સ, જ્યારે સિંધુ ભવન રોડ પર વેડિંગ શોપિંગ એક્સપિરિયન્સ ઝોન આ સિઝનના વેડિંગ શોપિંગને પ્રીમિયમ સ્પર્શ આપશે. આ ફેસ્ટિવલમાં મેજેર બ્રાન્ડ્સ, હોટેલ્સ, મોલ્સ, રિટેલ, ક્લોથિંગ, ગિફ્ટ, રેસ્ટારાં અને અન્ય ક્ષેત્ર સાથે સંકાળેલી બ્રાન્ડ ભાગીદાર બન્યા છે.
આ ફેસ્ટિવલને ડિજિટલ રીતે સુલભ બનાવવા માટે ASFનું અધિકૃત મોબાઇલ એપ અને વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે. એપ મારફતે ખાસ ઑફર્સ, ઇન્ટરેક્ટિવ મેપ, ઇવેન્ટ્સના રિયલ-ટાઇમ અપડેટ્સ તથા શોપર પાસ જે AMTS અને BRTSમાં ફેસ્ટિવલ દરમિયાન નિ:શુલ્ક મુસાફરીની સગવડ સાથે ખાસ ડીલ્સ અને લકી ડ્રોઝની તક મળશે.
આ વર્ષે ASFમાં 3000થી વધુ વ્યવસાયો જોડાયા છે, જેમાં રિટેલ સ્ટોર્સ, મોલ્સ, MSMEs, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કારીગરો અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. શહેરમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાપુર ખાતેનું સ્વદેશી મોલ, કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રદર્શન અને સ્થાનિક કારીગરોની વિશેષ ભાગીદારી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
