એર પોલ્યુશન માટે જવાબદાર 21 બાંધકામ સાઈટોને AMCએ દંડ કર્યો
AI Image
બોપલની ઓર્ચિડ ફીન્સબરી, શીલજની વર્ટીકલ વ્યુ, પરમનેટ, ધ સોવેરીયન, થલતેજની અમરાને દંડ ફટકારાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની 21 જેટલી ચાલુ બાંધકામ સાઈટોને હવા પ્રદુષિત કરવા બદલ દંડ કરાયો છે. સાઈટ પર લગાવેલા એર ક્વોલિટી સેન્સરની તપાસ દરમિયાન મહત્તમ લિમીટ કરતા વધુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ હોવાનું જણાતા તેમને રૂ. 9.75 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
હાલમાં શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 200ને પાર રહેતું હોવાથી કોર્પોરેશન પર માછલા ધોવાયા હતા. જેના પગલે હવે કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ બાંધકામ સાઈટો પર તવાઈ બોલાવવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 200ને પાર રહેતું હોવાથી તેને ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જોઈએ તેટલી સફળતા મળતી નથી. દરમિયાન, શહેરમાં પ્રદુષિત હવા માટેનું એક પરિબળ ચાલુ બાંધકામ સાઈટો પણ હોવાથી ત્યાં એર ક્વોલિટી સેન્સર ઈન્સ્ટોલ કરવામાં આવેલા છે. જેથી તેની ચકાસણી દરમિયાન કેટલીક ચાલુ બાંધકામ સાઈટો પર મહત્તમ લિમીટ કરતા વધુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ હોવાનું જણાતા તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું અને તપાસના અંતે 21 જેટલી ચાલુ બાંધકામ સાઈટોને હવા પ્રદુષિત કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ચાલુ બાંધકામ સાઈટો પર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પોલીસી અનુસંધાને પર્યાવરણ જાળવણી અંગે જરૂરી જોગવાઈઓ કરવાની હોય છે, જેના ભાગરૂપે જે તે સાઈટ પર એર ક્વોલિટી સેન્સર ઈન્સ્ટોલ કરવામાં આવેલા છે. ચાલુ બાંધકામની સાઈટો પૈકી 21 જેટલી સાઈટ પર મહત્તમ ટોલરેબલ લિમિટ કરતા વધુ એર ક્વોલિટી ઈન્ડેક્ષ ધરાવતી હોવાથી તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ સાઈટો પર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસનો ભંગ કર્યાનું ધ્યાને આવતા પર્યાવરણીય જાળવણી અંગે AQI સેફ લિમીટમાં લાવવા પૂરતા પગલાં લેવા તથા પર્યાવરણની જાળવણીના ભંગ બદલ દંડ કરાયો છે. જેમાં તમામ સાઈટ પર મળીને કુલ રૂ. 9.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. વધુમાં, પર્યાવરણીય જાળવણી અંગે ચાલુ બાંધકામની સાઇટો ઉપર પોલીસીનું ચુસ્તપણે પાલન થાય તે માટે તપાસ કરવામાં આવશે.
આ સાઈટોને હવા પ્રદુષિત કરવા માટે દંડ કરાયો
1. પરમનેટ, શીલજ
2. ધ સોવેરીયન, શીલજ
3. ઓર્ચિડ ફીન્સબરી, બોપલ
4. અમરા, થલતેજ
5. વર્ટીકલ વ્યુ, શીલજ
6. ધી સીટાડેલ, આંબલી
7. શિલ્પ બિઝનેસ ગેટવે, છારોડી
8. ઓરીયમ ઝેનીથ, ત્રાગડ
9. તન્નાઝ, સરખેજ
10. હેપ્પી ઔરા, ઘુમા
11. યશ્વી ફેમીલી, કોરતપુર
12. કોઠિયા હોસ્પિટલ, ઠક્કરબાપાનગર
13. વિક્ટોરીયા એલીગન્સ, નાના ચિલોડા
14. બિલીપત્ર-3, વસ્ત્રાલ
15. અહોદ્યાપુરમ, વસ્ત્રાલ
16. બી.એન. 131, નિકોલ
17. શ્યામ સ્વસ્તિક, હાથીજણ
18. મહાવીર અતુલ્ય, હાથીજણ
19. હિલટાઉન હેવન, વસ્ત્રાલ
20. ધ વેટીકન, નિકોલ
21. ગોકુલધામ પરિસર, નિકોલ
