Western Times News

Gujarati News

પાકિસ્તાને આસિમ મુનીરને દેશના પ્રથમ સીડીએફ બનાવ્યા

નવી દિલ્હી, પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ગુરૂવારે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પહેલા ચીફ આૅફ ડિફેન્સ ફોર્સેઝ નિયુક્ત કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. તેમને આ પદ પાંચ વર્ષના કાર્યકાળ માટે આપવામાં આવ્યું છે.

આ મંજૂરી વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા મોકલવામાં આવેલી ભલામણ પર આપી હતી, જેમાં પાક. પ્રમુખને આર્મી ચીફ અને સીડીએફ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી.

ગત મહિને, પાકિસ્તાનની સંસદે ૨૭મો બંધારણીય સુધારો પસાર કર્યાે હતો, જેનાથી સીડીએફ પદની રચના થઈ હતી. આ પદનો હેતુ દેશના સંરક્ષણ માળખામાં કમાન્ડની એકતા સુનિશ્ચિત કરવાનો અને ગંભીર પરિસ્થિતિઓમાં ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છે. સીડીએફનું પદ હવે જોઇન્ટ ચીફ્સ આૅફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ પદનું સ્થાન લેશે, જે હવે નાબૂદ કરવામાં આવ્યું છે.

પ્રમુખ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઝરદારીએ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને તેમની નવી નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રમુખ ઝરદારીએ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુને ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ તેમનો વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા પછી બે વર્ષનો કાર્યકાળના વિસ્તારની મંજૂરી આપી છે.વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર, વડાપ્રધાને અગાઉ આસિમ મુનીરને આર્મી સ્ટાફ અને સીડીએફ બંને ચીફ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જે બાદમાં પ્રમુખને મોકલવામાં આવ્યો હતો.

આસિમ મુનીરને નવેમ્બર, ૨૦૨૨માં સીઓએએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે સમયે તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો. જોકે, ૨૦૨૪માં આ કાર્યકાળ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવ્યો હતો.સરકારી સૂચના જાહેર કરવાથી નવા સીડીએફની નિમણૂકમાં વિલંબ થયો હોવાની અટકળો પર વિરામ લાગી ગયો.

આ નિમણૂક ૨૭ નવેમ્બરથી પેન્ડિંગ હતી, જ્યારે અગાઉના સીજેસીએસસી જનરલ સાહિર શમશાદ મિર્ઝા નિવૃત્ત થયા હતા.મુનીરને થોડા મહિના પહેલા ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી, પાકિસ્તાનના ઈતિહાસમાં આટલી મોટી બઢતી બીજી વખત મળી છે.

અગાઉ, આ હોદ્દો જનરલ અયુબ ખાન પાસે હતો, જેમણે ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાકિસ્તાને પોતાનું અપમાન છુપાવવા માટે અયુબ ખાનનું સન્માન કર્યું હતું.

ગત મહિને સંસદ દ્વારા પસાર કરાયેલા નવા કાયદા અનુસાર, મુનીર આજીવન યુનિફોર્મમાં રહેશે અને ધરપકડથી સંપૂર્ણ મુક્તિ મેળવશે. આ જોગવાઈની વિપક્ષ, ખાસ કરીને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ તરફથી આકરી ટીકા થઈ છે. તેમની દલીલ છે કે આટલી વ્યાપક સત્તાઓ અને રક્ષણ આપવાથી લોકશાહી માળખાને નુકસાન થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.