‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે મુસ્લિમ મહિલાઓ યોગાભ્યાસ કેમ્પમાં બની સહભાગી
રાજ્યમાં ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ –યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર તેમજ માનવ સ્વાસ્થ્ય-કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે: યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજી
Ahmedabad, તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી. સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, ‘વસુધૈવ કુટુંબકમ્‘ની આ જ ભાવના સાથે અમદાવાદ ખાતે મુસ્લિમ મહિલાઓએ યોગ કેમ્પમાં સહભાગી થઈને વિવિધ યોગાસનો અને પ્રાણાયામમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધી હતો.
રાજ્યના કોમી એકતાના વારસાને વધુ મજબૂત બનાવતા રાજ્ય યોગ બોર્ડના આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત‘ અભિયાનને એક નવી ઊંચાઈ મળી છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ જણાવ્યું હતું કે, આ મારું છે કે પારકું, એવી ગણના સંકુચિત મનના લોકો કરે છે. ઉદાર ચારિત્ર્યવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે. આ યોગાભ્યાસ વર્ગમાં મુસ્લિમ મહિલાઓની સહભાગિતા એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર, માત્ર માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે.

યોગ માનવસમાજ-માનવજાતિ માટે છે. તે કોઈ એક ધર્મ, જાતિ કે સમુદાયનો ઈજારો નથી. યોગ એ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે.
શ્રી યોગસેવક શીશપાલજીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડે દ્વારા રાજ્યના દરેક નાગરિકને યોગ સાથે જોડીને રોગમુક્ત અને મેદસ્વિતામુક્ત બનાવવાના જનજાગૃતિ અભિયાનને મોટા પાયે વેગ આપવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય જ સર્વોપરી પહેલ હેઠળ અમદાવાદ ખાતે મુસ્લિમ સમુદાયની મહિલાઓએ મેદસ્વિતા નિવારણ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પની મુલાકાત લઈને યોગાભ્યાસમાં સહભાગી બની હતી. જે સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપે છે.
શ્રી યોગસેવક શીશપાલજીએ ભાવપૂર્વક ઉમેર્યું હતું કે, યોગ એ જ પરિવારનો સેતુ છે, જે આપણને અંદરથી મજબૂત બનાવે છે, આપણી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે અને સૌને એકતાના તાંતણે બાંધે છે. આ સફળ આયોજન દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કેવી રીતે સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
