ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો
file photo
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) ખાતે રાજ્ય દ્વારા મત્સ્યઉદ્યોગ વૃદ્ધિ અને દરિયાઈ નવીનતાનું પ્રદર્શન
ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત, વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારતનો સૌથી લાંબો 2,340.62 કિ.મી. દરિયાકિનારો ધરાવતા ગુજરાતે દરિયાઈ સમૃદ્ધિ, નવીનતા અને ટકાઉ વિકાસના માર્ગે દેશને આગળ ધપાવ્યું છે. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો લગભગ 80 ટકા ફાળો આપી રહ્યા છે, જે ગુજરાતને દેશના અગ્રણી દરિયાઈ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલી ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત થયું છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. આંતરિક અને દરિયાઈ માછીમારી, જળચર ઉછેર, સીફૂડ પ્રોસેસિંગ, નિકાસ, માર્કેટિંગ, સંશોધન અને શિક્ષણ વગેરેને આવરી લેતો મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર દેશમાં લગભગ 30 મિલિયન લોકોને આજીવિકા પૂરી પાડે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું સરેરાશ વાર્ષિક માછલી ઉત્પાદન લગભગ 9.30 લાખ મેટ્રિક ટન નોંધાયું છે. નાણાકીય વર્ષ 2025–26 માટે દરિયાઈ ઉત્પાદન 8,40,069 મેટ્રિક ટન અને આંતરિક ઉત્પાદન 3,31,284 મેટ્રિક ટન એમ કુલ 11,71,353 મેટ્રિક ટનનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને રાજ્યના કુલ ઉત્પાદનમાં 70 ટકા કરતાં વધુ યોગદાન આપે છે, જ્યારે રાજ્યનો સૌથી મોટો ભૌગોલિક જિલ્લો કચ્છ લગભગ 9 ટકા ફાળો આપે છે. વર્ષ 2024–25 દરમ્યાન રાજ્યના દરિયાઈ ઉત્પાદન 7,64,343 મેટ્રિક ટન રહ્યા હતા, જેમાંથી માત્ર સૌરાષ્ટ્રનો હિસ્સો 5,42,333 મેટ્રિક ટન, જ્યારે કચ્છનો 67,547 મેટ્રિક ટન રહ્યો હતો. ગુજરાતના કુલ દરિયાઈ માછલી ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ 80% છે. 2023–24ની સરખામણીએ રાજ્યએ દરિયાઈ ઉત્પાદનમાં 14 ટકા થી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 2023-24 માં 7,04,828 મેટ્રિક ટન હતો.
આ પૃષ્ઠભૂમિમાં, રાજકોટ ખાતે જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યના મત્સ્યક્ષેત્રની સફળતાઓ તથા ભાવિ તકો રજૂ કરવા માટે એક
અગત્યનું મંચ બની રહેશે. પરિષદમાં નીતિનિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને હિસ્સેદારો સાથે મળી નવીનતા, ટકાઉપણું અને મૂલ્યવર્ધનના નવા માર્ગોની ચર્ચા કરશે. VGRC રાજકોટ દ્વારા દરિયાકાંઠાના વિકાસ, દરિયાઈ ઈકોસિસ્ટમના સંરક્ષણ અને ગુજરાતના વાદળી અર્થતંત્રને વધુ પ્રગતિના શિખરો સુધી પહોંચાડવા રાજ્યની પ્રતિબદ્ધતા પુનઃસ્થાપિત થશે.
