પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે: રાજ્યપાલ
File Photo
શિનોરના બાવળીયા ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પરિસંવાદમાં રાજ્યપાલશ્રીનો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ… પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી માત્ર જમીનને બંજર બનાવે છે એટલું જ નહીં, પરંતુ કેન્સર અને અન્ય ગંભીર રોગો માટે પણ જવાબદાર છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવામાં કોઈ જોખમ નથી. “પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, ઊલટું વધે છે; અને તે સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે અમૃત સમાન છે,” એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, તેઓ હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર ખાતેના ગુરુકુળમાં ૨૦૦ એકર જમીન અને ૪૦૦ ગૌમાતાઓ સાથે છેલ્લા નવ વર્ષથી એક પણ ટીપું યુરિયા, ડીએપી અથવા જંતુનાશક નો વપરાશ કર્યા વગર શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે. જે લોકોએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમના ઉત્પાદન વર્ષ પ્રતિ વર્ષ વધ્યા છે, આ વાતનો હું જીવંત સાક્ષી છું.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અંગે તેમણે કહ્યું કે, મોટા ભાગના ખેડૂતોની જમીનમાં ઓર્ગેનિક કાર્બન ૦.૫ થી નીચે આવી ગયું છે, જે જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનું સૂચવે છે. યુરિયા અને જંતુનાશકો ધરતીના મિત્ર સૂક્ષ્મજીવો, અળસિયા અને પરોપકારી કીટકોને નષ્ટ કરી દેતા હોવા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
યુએનઓના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે વિશ્વમાં ખેત ઉત્પાદન ૧૦ ટકા ઓછું થઈ ગયું છે અને આ રીત ચાલુ રહી તો ઉત્પાદન હજુ ઘટશે.
ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન ઘટી શકે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનને પોલી બનાવે છે, જે ધરતીને વધારે પાણી શોષવામાં મદદ કરે છે. તેથી કમોસમી વરસાદ હોય ત્યારે પણ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું નુકસાન ઓછું થાય છે, જ્યારે રાસાયણિક ખેતીથી બનેલી કડક જમીનમાં પાણી ભરાઈ પાક બરબાદ થઈ જાય છે.
યુરિયા અને ડીએપીમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણ સાથે મળીને નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે. રાજ્યપાલશ્રીએ કૃત્રિમ બીજ દાન સહિત કૃષિ અને પશુપાલન કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમની શરૂઆતમાં નાયબ ખેતી નિયામક શ્રી જે. ડી. ચારેલએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા ધામેલિયા, નાયબ કલેક્ટર શ્રી શિવમ બારિઆ, આત્મા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, કૃષિ વિભાગનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
