પ્રાંતિજમાં રૂ.ર.૯ર કરોડના ખર્ચે બનેલા એસટી ડેપોનું કામ પૂર્ણતાને આરે
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) હિંમતનગર, પ્રાંતિજના શહેરીજનો અને આજુબાજુના ગામડાઓમાં રહેતા લોકો રોજબરોજ એક સ્થળેથી બીજા સ્થળે અવર જવર કરવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે ત્યારે અત્યારે મોટાભાગની બસો ભાંખરીયા સ્ટેન્ડ પરથી ઉપડે છે
ઘણી વખત અમદાવાદ જતા મુસાફરોને બસમાં બેસવા માટે હાઈવે ત્રણ રસ્તા પર આવવું પડે છે ત્યારે ગુજરાત રાજય એસટી નિગમ દ્વારા પ્રાંતિજમાં અધતન ડેપો બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદ નવીન ડેપોનું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે ત્યારે તેનું લોકાર્પણ થયા બાદ સ્થાનિક તથા ગામડાઓના મુસાફરોને મળતી સુવિધામાં વધારો થશે.
આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજમાંથી તલોદ તાલુકો અલગ થયો ત્યારે તલોદમાં રેલ્વે સ્ટેશન નજીક ડેપો ચાલુ હતો જયાં પ્રાંતિજ ડેપોની કેટલીક બસો તલોદ ડેપોમાં જઈને લાંબા અંતરના રૂટ પર દોડતી હતી જેથી પ્રાંતિજ તાલુકાની પ્રજાએ ડેપો બનાવવા માટે કરેલી માંગણી બાદ રાજય સરકાર અને એસટી નિગમના સહયોગથી પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલ કામ ચલાઉ ડેપોના સ્થળે અધતન ડેપો બનાવવાનું કામ ચાલતું હતું.
જે હવે પૂર્ણતાને આરે છે ત્યારે તેનું લોકાર્પણ થયા બાદ અમદાવાદ તરફ જતી અને હિંમતનગર તરફ આવતી અનેક લોકલ અને એક્સપ્રેસ પ્રાંતિજ ડેપોમાં થઈને અવર જવર કરશે જેથી મુસાફરોને ફાયદો થશે. આ નવીન અધતન ડેપોમાં મહિલાઓ માટે રેસ્ટ રૂમ, ડ્રાઈવર, કંડકટરો માટે પણ અલાયદી વ્યવસ્થાનું બાંધકામ દરમ્યાન ધ્યાન રાખવામાં આવ્યું છે.
એપ્રોચ રોડ ઉપર રૂ.૨. ૯૨ કરોડના ખર્ચે અનેક સુવિધાઓથી સજ્જ ડેપોનું કામ હાલમાં પ્રગતિમાં છે. એસટી ડેપોમાં પાસ, રિઝર્વેશન, પૂછપરછ કન્ટ્રોલ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, કેન્ટીન ચા નાસ્તો, પીવાના પાણી માટે આરો સહિત વોટર કૂલરની સગવડ, સ્ટોલ ખરીદી માટેના પાર્સલ રૂમ પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય જેમાં દિવ્યાંગો માટેની અલગ વ્યવસ્થા શૌચાલય, દિવ્યાંગ માટે રેલીંગ વ્હીલચેરની સુવિધા રહેશે.
