૯૫ કેદીના મોત સાથે કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત મોખરે
ગાંધીનગર, તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક કસ્ટોડીયલ ડેથની ઘટના બની હતી. આ ઘટના વચ્ચે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટે ગુજરાત સરકારની નીતિને ઉઘાડી પાડી છે કેમકે, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે સાથે સાથે ખાખીની કામગીરી પણ શંકાના ઘેરામાં મૂકાઇ છે. આખાય દેશમાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે રહ્યુ છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં જ ૯૫ આરોપીના મૃત્યુ થયાં છે.
જે ચિંતા ઉપજાવે તેમ છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ સાથે અમાનવીય વર્તન,ત્રાસ અને યાતના ગુજારવામાં આવી રહી છે જેના કારણે ચિંતાજનક સ્થિતી સર્જાઇ છે.
પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્ટડીમાં આરોપીઓનાં મોત થઇ રહ્યાં છે વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૨૦માં સુપ્રિમકોર્ટ માનવ અધિકારોના ઉલ્લંઘન રોકવા માટે પોલીસ સ્ટેશનો, સીબીઆઈ, ઈડી અને તપાસ એજન્સીઓની કચેરીમાં સીસીટીવી કેમેરા સહિત રેકોડીંગ સાધનો સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેનો સંપૂર્ણ અમલ કરાયો નથી.
આજે પણ ગુજરાતમાં ઘણા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. એટલુ જ નહીં, સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં છે. હવે સવાલ એ છે, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ નિષ્પક્ષપણે ફરજ નિભાવી રહી છે તો રોજરોજ કસ્ટોડીયલ મૃત્યુના કિસ્સાઓ કેમ બહાર આવી રહ્યાં છે. તપાસ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ કેમ છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૫ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે. કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો હતો.
એવો આરોપ છેકે, મોટાભાગે ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના આરોપીઓને સૌથી વધુ ત્રાસ, અમાનવિયતા અને યાતના સહન કરવી પડે છે.પોલીસ યુનિફોર્મની આડમાં કસ્ટડીમાં અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
એવી માંગ કરવામાં આવી છેકે, કે,દરેક કસ્ટોડિયલ ડેથની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના શંકાસ્પદ મોત પર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.SS1MS
