જસદણમાં પૂર્વ પત્નીના પતિના હત્યા કેસમાં યુવાનને આજીવન કેદ
રાજકોટ, રાજકોટના જસદણમાં પ્રતાપપુર ગામે પૂર્વ પત્નીના પતિની હત્યા કરવાના ગુનામાં કોર્ટે યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. ૩ વર્ષ પહેલાની આ ઘટનામાં કોર્ટે ૧૫ હજારનો દંડ પણ ફટકાર્યાે છે.વર્ષ ૨૦૨૨માં યશવંત મકવાણાએ પત્ની કોમલને છૂટાછેડા દીધા હતા.
બાદમાં પત્નીએ કમલેશ ચાવડા સાથે બીજા લગ્ન કર્યા હતા, જોકે તે લગ્નની બીજી જ રાતે પૂર્વ પતિ યશવંતે નવા પતિ કમલેશની તેના ઘર પાસે જ છરીના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી.અમરેલીના વડિયામાં રહેતા યશવંત મકવાણાએ કોમલ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં જૂન – ૨૦૨૨માં પત્ની કોમલને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા થઈ ગયા બાદ કોમલે જસદણના પ્રતાપપુરના કમલેશ મોહનભાઈ ચાવડા સાથે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ લગ્ન કરી લીધા હતા.
પૂર્વ પત્નીએ કરેલા આ લગ્નથી પૂર્વ પતિ યશવંતને ખરાબ લાગ્યું હતુ. તે છૂટાછેડા બાદ કોમલને પરત લઈ આવવા માગતો હોવાથી કમલેશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રાત્રે યશવંત કમલેશ ચાવડાના ઘરે પહોંચ્યો હતો. કમલેશને બહાર બોલાવી મકાનના નવેરામાં ઉપરાછાપરી છરીનાં ઘા મારી તેની હત્યા કરી નાંખી હતી.
આ બાબતે કમલેશના ભાઈ વિનોદભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસના અંતે આરોપી યશવંત સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી.વિવિધ રજૂઆતો અને દલીલો બાદ કોર્ટે આરોપી યશવંત ઉર્ફે અશ્વિન મહેશભાઈ મકવાણા (ઉં.વ.૪૦, રહે. વડિયા મફતિયા પરા, અમરનગર રોડ, તા.વડિયા, જિ. અમરેલી)ને કમલેશ ચાવડાની હત્યા બદલ આજીવન કેદ અને રૂ.૧૫૦૦૦નો દંડ ફટકાર્યાે છે.SS1MS
