ઇન્ડિગોને સંપૂર્ણપણે ચાલુ થતાં હજી 5 થી 10 દિવસ લાગી શકે છેઃ IndiGo CEO
૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ્દ! IndiGo CEO પીટર એલ્બર્સે તારીખ જણાવી, કહ્યું: આ દિવસથી એરલાઇન ફરીથી રેગ્યુલર થઈ જશે
નવી દિલ્હી, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) છેલ્લા ત્રણ દિવસથી ભારે અફરાતફરીમાં છે. સતત ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ દરમિયાન, શુક્રવારે CEO પીટર એલ્બર્સએ પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું અને સ્વીકાર્યું કે કંપનીના ઓપરેશનલ સિસ્ટમને ‘રીસેટ’ કરવાના નિર્ણયથી સમગ્ર નેટવર્કમાં ગંભીર અવરોધ ઊભો થયો છે.
એલ્બર્સે જણાવ્યું કે, ઇન્ડિગોને સંપૂર્ણપણે ચાલુ થતાં હજી ૫ થી ૧૦ દિવસ લાગી શકે છે, અને ધીમે ધીમે ૧૦ થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે સેવાઓ સ્થિર થવા લાગશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે શનિવાર સુધીમાં પરિસ્થિતિ સુધરવા લાગશે અને સોમવારથી સેવાઓ સામાન્ય થઈ જશે.
શુક્રવાર: સૌથી ખરાબ દિવસ
CEO એલ્બર્સના જણાવ્યા મુજબ, શુક્રવાર એરલાઇન માટે સૌથી મુશ્કેલ દિવસ સાબિત થયો. એક જ દિવસમાં ૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી, જે ઇન્ડિગોની કુલ દૈનિક ફ્લાઇટ્સના અડધાથી પણ વધુ છે.
ઓપરેશનલ મશીનરીને ‘રીબૂટ’ કરવી પડી
વીડિયો સંદેશમાં એલ્બર્સે સ્પષ્ટતા કરી કે કંપનીએ તેની સમગ્ર ઓપરેશનલ સિસ્ટમને ફરીથી શરૂ (રીબૂટ) કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો, જેના કારણે મોટા પાયે શેડ્યૂલ પ્રભાવિત થયું. તેમણે મુસાફરોને અપીલ કરી કે જેમની ફ્લાઇટ રદ્દ થઈ છે, તેઓ એરપોર્ટ પર ન જાય, જેથી ભીડ અને અવ્યવસ્થા વધે નહીં.
કંપની દ્વારા ત્રણ મુખ્ય પગલાં
ઇન્ડિગોના ચીફ ઓપરેટિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ત્રણ સમાંતર પગલાં લેવામાં આવી રહ્યા છે:
-
સંચાર પ્રણાલી મજબૂત કરવી: મેસેજ, સોશિયલ મીડિયા અને એપ દ્વારા વિગતવાર માહિતી, રિફંડ અને સપોર્ટની સમયસર અપડેટ આપવી.
-
એરપોર્ટ પર ન આવવાની સલાહ: કેન્સલ ફ્લાઇટવાળા મુસાફરોને એરપોર્ટ પર ન આવવાની વિનંતી કરવી, જેથી ટર્મિનલો પરની વધારાની ભીડ નિયંત્રિત કરી શકાય.
-
ક્રૂ અને વિમાનોનું પુનર્ગઠન: શનિવારથી શેડ્યૂલ ફરીથી વ્યવસ્થિત થઈ શકે તે માટે શુક્રવારે મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી.
CEO એલ્બર્સે આશા વ્યક્ત કરી કે શનિવારે રદ્દ થનારી ફ્લાઇટ્સની સંખ્યા ૧,૦૦૦થી ઓછી રહેશે.
DGCA ના સહયોગનો આભાર અને CEOની માફી
એલ્બર્સે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોમાં રાહત આપવા બદલ DGCA નો આભાર માન્યો. તેમણે સ્વીકાર્યું કે આ અવરોધોએ મુસાફરોને ભારે મુશ્કેલી પહોંચાડી છે અને ઇન્ડિગોની ૧૯ વર્ષમાં બનેલી વિશ્વસનીયતાને આંચકો લાગ્યો છે. તેમણે કહ્યું કે કંપનીની ટીમો, ખાસ કરીને ફ્રન્ટલાઈન સ્ટાફ, દિવસ-રાત પરિસ્થિતિ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છે.
સરકારનો હાઈ-લેવલ તપાસનો આદેશ
વ્યાપક અંધાધૂંધી વચ્ચે, કેન્દ્ર સરકારે સમસ્યાના મૂળ કારણોની ઓળખ કરવા અને જવાબદારી નક્કી કરવા માટે ઉચ્ચ-સ્તરીય તપાસનો નિર્દેશ આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મદદ માટે ૨૪×૭ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે.
