ગેનીબેને મહિલાઓને દશામાનું વ્રત ન કરવા આહવાન કર્યુ
(એજન્સી)થરાદ,થરાદમાં થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેને ઠાકોરે સમાજમા વ્યાપેલી અંધશ્રદ્ધાઓ, સમાજમાં કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓને બંધ કરવા આહવાન કર્યું. સાથે જ ગેનીબેન ઠાકોરે સમાજની દીકરીઓને દશામાંનું વ્રત ન કરવા પણ આહવાન કર્યું.
આ અંગે આગળ વાત કરતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે. આ દશામાંના વ્રત એટલે ઘરે દશા બેસાડવાની પ્રથા છે એટલે હવેથી કોઈપણ બહેન દીકરીએ દશામાંનું વ્રત કરવું નહીં. જેને દશામાં નડે, એ દશામાં ને મારી જોડે મોકલી દેજો. હું એકલી ગાડીમાં ફરું છું. દશામાં મારી જોડે ગાડીમાં ફરશે. દશામાં નડે તો મને નડશે તમને કોઈને નડશે નહિ.
તેમણે આગળ કહ્યું કે, ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહિ તમારું જેવું કર્મ હશે એવું ભોગવશો. ભુવાઓ તમને વહેમમાં નાંખીને આર્થિક અને સામાજિક બરબાદ કરીને કુટુંબ બરબાદ કરશે. કોઈપણ પ્રકારનું દુઃખ હોય તો ડોકટરને બતાવવું. સગા વહાલાઓ અને મિત્રોને કહેવાનું પણ ક્્યાંય અંધશ્રદ્ધામાં આવવાનું નહિ.
જો ભુવા અને ભોપા દુઃખ મટાડી દેતા હોય તો હું અને કેશાજી તમે કહો એ ભોપાની બાધા રાખીયે અને તમારું કોઈ કામ ન કરીએ અને તોય ચૂંટણીમાં ફોર્મ ભરીએ અને જીતીએ તો ભોપો સાચો. એવું થતું હોય તો અમે જ ભોપા લઈને બેસી જઈએ. સવારે ૫ વાગ્યે ઉઠીએ અને રાત્રે મોડા ઉંઘીએ ત્યાર સુધી માથામાં શેર ધૂળ લઈને ફરવાનું કોઈ કારણ ખરું. એટલે આ બધું માત્ર કમાવવાનું સાધન છે એટલે કોઈ તકલીફ હોય એના નિષ્ણાંત પાસે જાઓ.
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બીજાની આબરૂ જાય તેવું આપણે ન કરવું જોઈએ, પણ જો કોઈ મોટા ભુપે પણ આપણી આબરૂ ઉપર હાથ નાંખ્યો હોય તો આપણે સમાજે બધાએ એક થવું જોઈએ. એક સામાન્ય વાદી સમાજની કોઈ દીકરી લઈ જાય ને તો એ આખો સમાજ ભેગો થઈ જાય.
