Western Times News

Gujarati News

ગોવાની નાઈટ ક્લબમાં આગઃક્લબનું બેઝમેન્ટ કર્મચારીઓથી ભરેલું હતું

ગોવાની નાઈટક્લબમાં આગઃ ૨૫ના મોત-પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ અને આગને કાબુમાં લીધી: ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

(એજન્સી)ગોવા, નોર્થ ગોવાના અરપોરામાં લોકપ્રિય નાઈટ ક્લબ બીર્ચ રોમીયો લેનમાં લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકો હોમાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે લગભગ ૧૨ઃ૦૪ વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી,

જેના કારણે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે.

રાજ્યના ડીજીપી આલોક કુમારે જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે અને આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને સહાય પૂરી પાડવા અને ઘાયલોને સારી તબીબી સેવા પૂરી પાડવાના પ્રયાસો તીવ્ર બનાવ્યા છે.

આ ભીષણ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ક્લબના કિચન એરિયામાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. થોડી જ સેકન્ડોમાં આગે આખા કિચનને લપેટમાં લીધું અને જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા બેઝમેન્ટ સુધી ફેલાઈ ગયા. ઘટના સમયે ક્લબનું બેઝમેન્ટ કર્મચારીઓથી ભરેલું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગભરાટમાં લોકો બહાર ભાગવાને બદલે બેઝમેન્ટ તરફ દોડ્યા, જ્યાં ધુમાડાનું સામ્રાજ્ય પહેલેથી જ ફેલાયેલું હતું.

મૃતકોમાં ૨૫ લોકોનો શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોના મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયેલા મળી આવ્યા હતા. મૃતકોમાં મોટા ભાગના ક્લબના કિચન સ્ટાફ હતા, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ પણ સામેલ છે. મૃતકોમાં સૌથી વધુ સ્ટાફના ૧૪ લોકો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણથી ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના લોકોના શ્વાસ રૂંધાવાથી થયા છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી સૂચવે છે કે નાઈટક્લબે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યું ન હતું. અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો. વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. આજે સવારે, ફોરેન્સિક ટીમ આગના ચોક્કસ કારણની તપાસ કરશે.

ગોવા પોલીસ વડા આલોક કુમારે જણાવ્યું હતું કે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી. અહેવાલ મુજબ, પોલીસ મહાનિર્દેશકએ જણાવ્યું હતું કે, “ઓછામાં ઓછા ૨૫ મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોમાં ક્લબના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.” ગોવા પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે જણાવ્યું હતું કે કેટલાક લોકોના મોત આગમાં મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય લોકોના મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયા હતા.

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તે સમયે ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ૨૨ પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.અકસ્માતના સમાચાર મળતાં જ મોડી રાત્રે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે તેને ખૂબ જ દુઃખદ ઘટના ગણાવી હતી

અને કહ્યું હતું કે જો સલામતીના ધોરણોમાં કોઈ બેદરકારી જણાશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એ પણ સ્વીકાર્યું હતું કે મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ હતા જે વેકેશન માટે ગોવા આવ્યા હતા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ગોવાના અર્પોરામાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલદીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. મેં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.