ગોવાની ગેરકાયદે નાઈટક્લબને તોડવા ગયા વર્ષે જ નોટિસ અપાઈ હતી
કલબના મેનેજર સહિત ચારની ધરપકડ
(એજન્સી)ગોવા, નોર્થ ગોવાના અરપોરામાં લોકપ્રિય નાઈટ ક્લબમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ૨૫ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર ટુરિસ્ટ તથા સ્ટાફના ૧૪ લોકોનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ બાદ ગોવામાં ચાલતા નાઈટ ક્લબોની સુરક્ષાને લઈને ફરી સવાલ ઊભા થાય છે.
પ્રાથમિક જાણકારી અનુસાર આ ક્લબ ગેરકાયદે હતું એન ક્લબ એન્ટ્રી, એÂક્ઝટ ગેટ ખૂબ જ સાંકળા હતા. મૃતકોમાં કેટલાકના મોત ધુમાડાથી ગૂંગળામણના કારણે થયું છે. પોલીસે આ અંગે કલબના મેનેજર અને અન્ય ૩ કર્મચારીઓની ધરપકડ કરી છે જ્યારે કલબનો માલિકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ અનુસાર ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, કે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળથી ૪૦૦ મીટર દૂર ઊભી રાખવી પડી હતી. જેના કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો. પ્રત્યક્ષદર્શી ફાતિમા શેખે એ મીડિયાને જણાવ્યું કે આગ લાગ્યા બાદ લોકો બચવા માટે ભાગી રહ્યા હતા જેના કારણે અફરાતફરી સર્જાઈ. વીકેન્ડના કારણે ભીડ વધારે હતી અને ડાન્સ ફ્લોર પર ૧૦૦થી વધુ લોકો હતા. ગણતરીની મીનીટમાં ક્લબ આગની ઝપેટમાં આવી ગયું.
ક્લબમાં વૃક્ષના પાનથી બનાવેલ ડેકોરેટિવ માળખાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગથી બચવા માટે લોકો નીચેની તરફ ભાગ્યા અને ગ્રાઉન્ડ ફ્લોર પર સહિત રસોડામાં પહોંચી ગયા. કેટલાક તેમાં જ ફસાઈ ગયા.
અરપોરા-નાગોઆ ગ્રામ પંચાયતે ગયા વર્ષે જ આ ક્લબ તોડી પાડવાની નોટિસ ફટકારી હતી. કારણ કે ક્લબ ગેરકાયદે રીતે ચાલી રહ્યું હતું. ગ્રામપંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું છે, કે આખું ક્લબ જ ગેરકાયદે હતું. ક્લબની આસપાસ કોઈ પણ નિર્માણનું લાયસન્સ અપાયું નહોતું અને ફાયર સેફ્ટીના નિયમોનો પણ ઉલ્લંઘન થઈ રહ્યો હતો. જોકે ક્લબની અપીલ બાદ પંચાયતે નોટિસ પરત ખેંચી હતી.
