સપા નેતા આઝમ ખાનના પુત્રને બે પાસપોર્ટ મામલે સાત વર્ષની જેલ
લખનૌ, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને રામપુરની કોર્ટે બે પાસપોર્ટ અને બે પાન કાર્ડ રાખવાના કેસમાં દોષિત ઠેરવીને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેને રૂ.૫૦,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે.
આ મામલો ૨૦૧૯ નો છે, જ્યારે ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ અબ્દુલ્લા આઝમ અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી (કલમ ૪૨૦), બનાવટી દસ્તાવેજો (કલમ ૪૬૭, ૪૬૮) અને ઓળખપત્રોમાં બનાવટ (કલમ ૪૭૧) હેઠળ કેસ નોંધાવ્યો હતો.
કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ આજે આ મામલે ચુકાદો આપવામાં આવ્યો છે. અબ્દુલ્લા આઝમ પર આરોપ હતો કે તેણે બે-બે પાસપોર્ટ અને પાન કાર્ડ બનાવ્યા હતા. એક દસ્તાવેજ તેના પોતાના નામ પર કાયદેસર અને માન્ય હતો, જ્યારે બીજો દસ્તાવેજ ગેરકાયદેસર રીતે નકલી નામ/ઓળખ પર બનાવવામાં આવ્યો હતો. એવો આક્ષેપ હતો કે આ નકલી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ બેન્કિંગ, મતદાન અથવા અન્ય સંવેદનશીલ કાર્યો માટે થઈ શકતો હતો, જે સમાજ અને રાષ્ટ્ર માટે જોખમી છે.
દોષિત ઠેરવવામાં આવ્યા બાદ આજે કોર્ટ સમક્ષ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયેલા અબ્દુલ્લા આઝમને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી કે આ પ્રકારનો ગુનો સમાજ અને રાષ્ટ્ર માટે અત્યંત જોખમી છે, કારણ કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ અપરાધ, હુલ્લડ કે ઓળખની છેડછાડ માટે થઈ શકે છે.
પહેલેથી જ અન્ય એક પાન કાર્ડ કેસમાં રામપુરની જિલ્લા જેલમાં સજા કાપી રહેલા અબ્દુલ્લા આઝમની મુશ્કેલીઓ આ નવા નિર્ણયથી વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તેમના પિતા આઝમ ખાન પણ હાલમાં જેલમાં બંધ છે.
