રૂ.૬૫૦૦ નું બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું
AI Image
પ્રીપેઇડ સિસ્ટમ રાખી હોવાના કારણે કનેક્શન આપોઆપ બંધ થઈ ગયું
વડોદરા, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આમેય પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે માથાના દુખાવા સમાન છે ત્યારે વીજ નિગમના સપ્લાય માટે બાપોદ ટાંકીનું માર્ટ મીટરના પ્રીપેઇડ કનેક્શનનું રૂ.૬૫૦૦નું નજીવું વીજબિલ નહિં ભરાતા વૈકુંઠ રેસીડેન્સીના ૧૬૦૦ પરિવારોને સવારે ૮ વાગે આવતા પાણીથી વંચિત રહેવું પડ્યું છે.
જ્યારે બીજી બાજુ સ્કાડાનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડની સુવિધા હોવા છતાં પણ પ્રીપેઇડ સિસ્ટમ રાખી હોવાના કારણે કનેક્શન આપોઆપ બંધ થઈ ગયું છે પરંતુ તેમાં પાણી વિતરણને કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું.
જોકે સ્કાડાના જણાવ્યા મુજબ વાલ્વ ખોલી નાખવામાં આવતા સ્થાનિક લોકોને તાત્કાલિક પાણી મળશે. પરંતુ સવારે ૧૧ વાગ્યા સુધી હજી પાણી મળ્યું નથી. આમ કોણ સાચું કોણ ખોટું એ બાબતે બંને પક્ષે વિચારવું રહ્યું.
આ અંગેની વિગત એવી છે કે આજે સવારે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો થયો હતો કે બાપોદ ટાંકીના વૈકુંઠ તરફનો વિતરણ ઝોનનો પાણીનો સપ્લાય સવારે આઠ વાગે હોય છે. પરંતુ મુખ્ય સ્કાડા સિસ્ટમનો ઇલેક્ટ્રીક સપ્લાય એમજીવીસીએલ દ્વારા કાપી નંખાયો છે.
જેથી પાણી વિતરણ વ્યવસ્થામાં વિલંબ થશે. સ્કાડાનું માત્ર રૂપિયા ૬૫૦૦નું લાઈટ બિલ ભરાયું નહીં હોવાથી વીજ કંપનીમાંથી કનેક્શન કાપી નંખાયું હોવાના કારણે વૈકુંઠ રેસીડેન્સી તરફના ઝોનમાં પાણી વિતરણ વિલંબથી થશે.
એવું પણ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું. આ અંગે તપાસ કરાતા પાલિકા તંત્રના નેજા હેઠળની બાપોદ ટાંકીનું રૂપિયા ૬૫૦૦નું બાકી બિલ સ્કાડા દ્વારા ભરાયું નથી. જેથી સ્માર્ટ વીજ મીટરમાંથી આપોઆપ કનેક્શન બંધ થઈ ગયું છે. આ અંગે સ્કાડા માંથી જણાવ્યું હતું કે, બાપોદ ટાંકીએ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે જેમાં પસંદગીના બે વિકલ્પ હોય છે.
જેમાં પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડ, જેમાંથી આ જગ્યાએ માત્ર પ્રીપેડનો વિકલ્પ યથાવત રાખવામાં આવ્યો છે. જેથી નિયત તારીખે વીજબીલ નહીં ભરાતા વીજ કંપની દ્વારા કનેક્શન બંધ થયું છે પરંતુ વાલ્વ ખોલી નંખાયો હોવાથી વૈકુંઠ રેસીડેન્સી ને પાણી વિતરણમાં વિલંબ થયો છે. પરંતુ સવારે ૧૧ વાગ્યાના સમય સુધી હજી પણ સ્થાનિક વૈકુંઠ રેસિડેન્સીના રહીશોને હજી સુધી પાણી મળ્યું નથી.
એટલે સ્કાડાનું બિલ પાલિકા તંત્ર દ્વારા નહીં ભરાતા પૂર્વ વિસ્તારની બાપોદ ટાંકીથી પાણી વિતરણ નહી થતાં વૈકુંઠ રેસીડેન્સીના ૧૬૦૦ પરિવારો સવારના પાણીથી વંચિત રહ્યા હતા. પરિણામે કેટલાય પરિવારના મોભીને સ્નાનાદિ પ્રવૃત્તિથી વંચિત રહીને પોતપોતાના કામ ધંધે નોકરી માટે ઘરેથી નીકળી જવાની નોબત આવી હતી.
