સ્વાવલંબન, સ્વદેશી અને ગ્રામોત્થાન જ ગાંધીવાદી શિક્ષણનો આત્મા છે: રાજયપાલ
ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘ સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી ઉદબોધન
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સ્નાતક સંઘ સંમેલનના સમાપન સમારોહમાં રાજ્યપાલશ્રી અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીવાદી શિક્ષણ, આત્મનિર્ભરતા, ગ્રામીણ વિકાસ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ મહાદેવ દેસાઈ એવોર્ડથી સન્માનિત શ્રી ભગવાનદાસ પટેલ સહિત તમામ પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, કોઈપણ સંસ્થાની સૌથી મોટી સંપત્તિ તેના સ્નાતકો છે. તેઓ સંસ્થાની પ્રતિષ્ઠા અને ગૌરવના સાચા વાહક છે.
રાજયપાલશ્રીએ ઉલ્લેખ કર્યો કે, ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પટેલને તાજેતરમાં જ જમનાલાલ બજાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ઉત્થાનમાં તેમના લાંબા ગાળાના યોગદાનની રાષ્ટ્રીય સ્વીકૃતિ છે. રાજ્યપાલશ્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આ વર્ષે આયોજિત સ્નાતક સંઘ સંમેલન અને પૂર્વ સંમેલન વચ્ચે લગભગ અડધી સદીનું અંતર હતું. તેમણે આ તૂટેલી પરંપરાને ફરીથી જાગૃત કરવા બદલ કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. હિમાંશુ પટેલ અને તેમની સમગ્ર ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો સંસ્થાની સૌથી મોટી તાકાત છે. તેમને ફરીથી જોડવા, ગાંધીવાદી પરંપરાને મજબૂત બનાવવા અને આગામી પેઢીને તેમની સાથે જોડવી એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે.
રાજયપાલશ્રીએ કહું કે, ગૂજરાત વિદ્યાપીઠે આશરે 28,000 વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને સમાજને સમર્પિત કર્યા છે, જેમાંથી 8,000-10,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આ સંઘ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, જે સ્વયંમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
વર્ષ ૧૯૨૦માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની મુખ્ય ભાવનાને યાદ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, બાપુનો ઉદ્દેશ્ય ફક્ત ડિગ્રી આપવાનો નહોતો, પરંતુ એવા યુવાનો અને મહિલાઓને તૈયાર કરવાનો હતો કે જેઓ, સ્વાવલંબી અને આત્મનિર્ભર હોય, દેશભક્તિ અને સેવાની ભાવનાથી રંગાયેલા હોય, ભારતીય સંસ્કૃતિ, સત્ય, અહિંસા અને નૈતિક મૂલ્યોને પોતાના જીવનનો ભાગ બનાવે અને ગ્રામીણ સમાજના ઉત્થાન માટે કામ કરે.
તેમણે કહ્યું કે, જો આજે ગાંધીજી જીવતા હોત, તો તેઓ ઝેરી, રાસાયણ આધારિત ખેતીનો સખત વિરોધ કરતા અને ગાય આધારિત, પ્રાકૃતિક, ઝેરમુક્ત ખેતીની હિમાયત કરનારા પ્રથમ વ્યક્તિ હોત.
રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠની “ગ્રામ ઉત્થાન યાત્રા”નો ખાસ ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં, ગૂજરાત વિદ્યાપીઠના આશરે ૨,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૩૦૦ થી વધુ ફેકલ્ટી અને સ્ટાફે આશરે ૧૫,૦૦૦ ગામડાઓ સુધી પહોંચવા માટે ટીમો બનાવી છે. આ મુલાકાતો દ્વારા, ગ્રામજનોમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ, જળ સંરક્ષણ, સ્વદેશી, સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા જેવા વિષયો પર વ્યાપક જનજાગૃતિ લાવવામાં આવી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ધરતી માતા, પાણી, પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક, આ તમામનું કલ્યાણ સંભવ છે અને આ વિચાર મૂળતઃ ગાંધીવાદી ચિંતનમાંથી ઉદ્ભવે છે.
રાજયપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ગામડાઓમાં રહેતા વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું યોગદાન આ ગ્રામ ઉત્થાન યાત્રાની સફળતામાં મહત્વપૂર્ણ હતું, જેમણે વિદ્યાર્થીઓના ભોજન, રહેઠાણ અને અન્ય વ્યવસ્થાઓની જવાબદારી લીધી હતી, તે બદલ રાજ્યપાલશ્રીએ આ માટે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ મહાત્મા ગાંધીજીના જીવનના અનેક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો, જેમાં વર્ણવ્યું કે કેવી રીતે ગાંધીએ ચંપારણ જેવા આંદોલનો દ્વારા શોષિત ખેડૂતોની આર્થિક દુર્દશા પર પ્રકાશ પાડ્યો, સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સ્વદેશીને જીવનનો પાયો બનાવ્યો અને ગ્રામીણ ભારતને રાષ્ટ્રનિર્માણના કેન્દ્રમાં મૂક્યું.
તેમણે કહ્યું કે, ગાંધીજી એવા મશીનોને પસંદ કરતા હતા જે, માનવ ઉત્પાદકતામાં વધારો કરે છે પરંતુ માનવ અસ્તિત્વને જોખમમાં મૂકતા નથી. આ વિચારસરણીને કારણે તેમણે ચરખાને સ્વદેશી અને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવ્યું અને વિદેશી કાપડનો બહિષ્કાર કરીને, તેમણે સ્વદેશી ચળવળને લોકો સુધી પહોંચાડી.
ગૂજરાત વિદ્યાપીઠ ભૂતપૂર્વ કુલાધિપતિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોને સંગઠિત કરવાના અને બ્રિટિશ શાસનનો વિરોધ કરવાના તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમણે સરદાર પટેલ દ્વારા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરવામાં ભજવવામાં આવેલી ઐતિહાસિક ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અહિંસા, સત્ય, એકતા અને આત્મવિશ્વાસ – આ ચાર સ્તંભો કોઈપણ રાષ્ટ્રને મજબૂત બનાવે છે, અને સરદાર પટેલનું સમગ્ર જીવન આ મૂલ્યોનું જીવંત ઉદાહરણ હતું.
વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો કે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સક્રિય સંવાદ જાળવી રાખો, તેમના અનુભવોમાંથી માર્ગદર્શન મેળવો, ગાંધીજીના સ્વદેશી, આત્મનિર્ભરતા અને સેવાના મંત્રને તેમના જીવનમાં સમાવિષ્ટ કરો, અને રાષ્ટ્રનિર્માણના પડકારો માટે પોતાને તૈયાર કરો.
તેમણે કહ્યું કે, વિદ્યાર્થીના જીવનમાં બે જન્મ હોય છે – પહેલો જન્મ તેની માતા સાથે અને બીજો જન્મ તેના ગુરુના આશ્રમમાં શિક્ષણ મેળવતી વખતે; તેથી, તેના શિક્ષકો અને સંસ્થા પ્રત્યેનું ઋણ તેના જીવનભર યાદ રાખવું જોઈએ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે, ગૂજરાત વિદ્યાપીઠ ફરી એકવાર નવા ઉત્સાહ, નવા સંકલ્પ અને ગાંધીવાદી વિચારધારા સાથે આગળ વધશે, સામાજિક કાર્યકરો, ચારિત્ર્યવાન, આત્મનિર્ભર અને દેશભક્ત યુવાનો તૈયાર કરશે, અને ગ્રામીણ ઉત્થાન દ્વારા ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ, લોકભારતી યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી અરુણભાઈ દવે, ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘના કાર્યકારી પ્રમુખશ્રી ચંદુભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓના અધ્યક્ષ, અધ્યાપકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વર્તમાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
