લંડનના હીથ્રો એરપોર્ટ પર પેપર સ્પ્રેના હુમલાથી હડકંપ
લંડન, લંડનના હીથ્રો એરપોર્ટના બહુમાળી કાર-પાર્કિંગમાં રવિવારે સવારે કેટલાય લોકો પર પેપર સ્પ્રે છાંટવાની ઘટના બની હતી, જેના કારણે હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી અને પેપર સ્પ્રેના હુમલાની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
આ ઘટનાને લીધે મુસાફરોને ભારે અગવડનો સામનો કરવો પડ્યો અને કેટલીયે ફ્લાઇટો પ્રભાવિત થઈ હતી. મેટ્રોપોલિટન પોલીસે સ્પષ્ટ કર્યું કે આ ઘટના આતંકવાદ સંબંધિત નથી અને ઘાયલોને ગંભીર ઈજા પહોંચી નથી. ટૂંકમાં જીવલેણ હુમલો નથી.મીડિયા અહેવાલ અનુસાર, રવિવારે સવારે ૮-૧૧ કલાકે ટર્મિનલ-૩ના બહુમાળી કાર-પાર્કિંગમાં કેટલાક લોકોના ટોળાએ પેપર સ્પ્રે છાંટ્યો અને પછી એ ફરાર થઈ ગયા.
આ મામલામાં એક શંકાસ્પદની ધરપકડ કર્યા પછી પોલીસ અન્ય શંકાસ્પદ લોકોની શોધખોળ કરી રહી છે. હીથ્રો એરપોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ટર્મિનલ-૩ના બહુમાળી કાર-પાર્કિંગમાં ઈમરજન્સી સર્વિસ સંબંધિત એક ઘટના પર અમારી ટુકડીઓ કામ કરી રહી છે.
મુસાફરોને વિનંતી કરીને કહેવાયું કે એરપોર્ટ આવવા માટે થોડા વહેલા નીકળવું અને કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન માટે પોતાની એરલાઈન્સનો સંપર્ક કરવો. જ્યારે, મેટ્રોપોલિટન પોલીસના કમાન્ડર પીટર સ્ટીવન્સે જણાવ્યું કે, પ્રાથમિક તપાસથી લાગે છે કે આ ઘટના એકબીજાને ઓળખતા લોકોના ગ્›પની વચ્ચે થયેલા ઝઘડાના કારણે બની હતી, પછી એમાં પેપર સ્પ્રેનો ઉપયોગ થયો. કેટલાક લોકો ઘાયલ થયા છે. અમે ઘટનાને આતંકવાદી ગતિવિધિ માનતા નથી. જોકે,થોડા સમય પછી ટર્મિનલ-૩ સંપૂર્ણપણે ચાલું થઈ ગયું છે.SS1MS
