Western Times News

Gujarati News

અમેરિકાએ વર્ક પરમિટનો પાંચ વર્ષનો સમય ઘટાડીને માત્ર દોઢ વર્ષનો કર્યો

વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં સત્તા સંભાળ્યા બાદથી જ ઈમિગ્રન્ટ્‌સ પર તવાઈ શરૂ કરી છે. ટ્રમ્પ સરકારે હવે ઈમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે, જેની સીધી અસર ત્યાં કામ કરતા હજારો ભારતીય સહિતના વસાહતીઓ પર પડશે. ટ્રમ્પ સરકારે નવા નિયમ હેઠળ વર્ક પરમિટનો મહત્તમ સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને માત્ર દોઢ વર્ષનો કરી નાંખ્યો છે.

બીજીબાજુ ટ્રમ્પ સરકારે દુનિયાભરમાં અમેરિકન દૂતાવાસોને એવા અરજદારોના વિઝા રદ કરવા કહ્યું, જેમણે ફેક્ટ-ચેકિંગ, કન્ટેન્ટ મોડરેશન, કમ્પ્લાયન્સ અથવા ઓનલાઈન સુરક્ષા સંબંધિતપદો પર કામ કર્યું હોય.

ટ્રમ્પ સરકારે અમેરિકાની ઈમિગ્રેશન સિસ્ટમમાં એક મોટો ફેરફાર કરતા યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ)એ જાહેરાત કરી છે કે હવે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (ઈએડી)ની મહત્તમ સમય મર્યાદા ઘટાડી દેવાઈ છે. એજન્સીનું કહેવું છે કે સુરક્ષા તપાસને મજબૂત કરવા અને સંભવિત જોખમોની ભાળ મેળવવા માટે ઈમિગ્રેશન નિયમોમાં આ ફેરફાર જરૂરી છે.

ટ્રમ્પ સરકારના નવા નિયમની અસર એવા વસાહતીઓ અથવા શરણાર્થીઓ પર પડશે જેમના દેશનિકાલ પર સ્ટે મૂકાયેલો છે અથવા જેઓ રાજ્યાશ્રય અથવા ગ્રીન કાર્ડના ચૂકાદાની રાહ જોઈ રહ્યા છે.

તેમને અમેરિકામાં વર્ક પરમિટ મળશે, જેની સમય મર્યાદા માત્ર ૧૮ મહિના જ હશે. અન્ય એક ફેરફારમાં અસ્થાયી પ્રોટેક્ટેડ સ્ટેટસ (ટીપીએસ) ધારકો, પેરોલ પર આવેલા લોકો, પેન્ડિંગ ટીપીએસ અરજદારો અને તેમની સાથે સંકળાયેલી કેટેગરી માટે વર્ક પરમિટને તેમના ઓથરાઈઝ સ્ટેના આધાર પર એક વર્ષ અથવા તેનાથી ઓછો કરાયો છે. આ ફેરફાર પાંચ ડિસેમ્બર અથવા ત્યાર પછી ફાઈલ કરાયેલા બધા જ પેન્ડિંગ અને ભવિષ્યના ફોર્મ આઈ-૭૬૫ અરજીઓ પર તુરંત લાગુ થશે.

યુએસસીઆઈએસે કહ્યું કે, વધુ વખત ઈએડી રિન્યુઅલથી સિક્યોરિટી જોખમની ભાળ મેળવવાની વધુ તકો મળશે.યુએસસીઆઆઈએસે જણાવ્યું કે, નવી નીતિથી અમેરિકામાં કામ કરવાની મંજૂરી માગનારા લોકોની વારંવાર તપાસ થઈ શકશે, જેનાથી છેતરપિંડી અટકાવી શકાશે અને એવી વ્યક્તિઓની ઓળખ કરી શકાશે જેમના ઈરાદા અમેરિકા માટે હાનિકારક હોય, જેથી તેમને દેશમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

ડાયરેક્ટર જોસેફ એડલોએ આ નિર્ણયને જાહેર સુરક્ષાની ચિંતાઓ સાથે જોડયો હતો. તેમણે કહ્યું કે, રોજગાર મંજૂરીનો સમય ઘટાડવાથી એ સુનિશ્ચિત કરી શકાશે કે જે લોકો અમેરિકામાં કામ કરવા માગે છે તેઓ જાહેર સુરક્ષા માટે જોખમી ના બને અને દેશ-વિરોધી વિચારધારાઓને પ્રોત્સાહન ના આપે.તેમણે તાજેતરની જ એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડના સૈનિકો પર હુમલો કરનારી વ્યક્તિને બાઈડેન સરકારે દેશમાં આવવા દીધી હતી.

આ ઘટના પછી એ જરૂરી થઈ ગયું છે કે વિદેશી નાગરિકોની વારંવાર તપાસ થાય.દરમિયાન ટ્રમ્પ સરકારે દુનિયાના વિવિધ ભાગોમાં અમેરિકન દૂતાવાસને મોકલેલા મેમોમાં નવા વિઝા પ્રતિબંધોની વિગતો આપી છે, જેમાં સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે કોન્સ્યુલર અધિકારી એવી કોઈપણ વ્યક્તિને વિઝા ના આપે જે અમેરિકામાં સુરક્ષિત અભિવ્યક્તિની સેન્સરશિપ અથવા સેન્સરશિપના પ્રયત્ન માટે જવાબદાર અથવા તેમાં સંડોવાયેલ હોય. આ નિર્દેશ પત્રકારો અને પ્રવાસીઓ સહિત તમામ પ્રકારના વિઝા પર લાગુ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.