વેપાર અને પાકિસ્તાન પરના તણાવને કારણે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી જોખમમાં
AI Image
નીતિ વિશેષજ્ઞ જયશંકરનો હાઉસ કમિટી સમક્ષ અહેવાલ
વોશિંગ્ટન, ડીસેમ્બર ૯ નીતિ વિશેષજ્ઞ જયશંકરએ યુએસ હાઉસ ફોરેન અફેર્સ કમિટી સમક્ષ રજૂ કરેલા લેખિત નિવેદનમાં ચેતવણી આપી છે કે, ટેરિફ અને વોશિંગ્ટન દ્વારા પાકિસ્તાન સાથે ફરીથી શરૂ કરાયેલા સબંધોને લઈને વધતા રાજકીય તણાવને જો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ તાત્કાલિક ઉકેલે નહીં, તો બે દાયકાથી વધુની વ્યૂહાત્મક પ્રગતિ જોખમમાં મૂકાઈ શકે છે.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અમેરિકાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ધ્રુવ જયશંકરે બુધવારે યોજાનારી એક મહત્વપૂર્ણ સુનાવણી પહેલાં કાયદા ઘડનારાઓને તેમના લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને દેશોમાં દ્વિપક્ષીય પ્રયાસો દ્વારા સતત બાંધવામાં આવેલી યુએસ-ભારત ભાગીદારી હવે વેપાર વિવાદો અને પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ સાથે યુએસના સંપર્કને કારણે “રાજકીય સ્થગિતતા”નો સામનો કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, ૧૯૯૮ થી આર્થિક સંકલન અને ઈન્ડો-પેસિફિક સંકલન દ્વારા મજબૂત બનેલા આ સંબંધો પર હવે મંદીનું જોખમ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બંને દેશો ચીનની વધતી અસર અને મુખ્ય પ્રદેશોમાં અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે.
ચીનનું વધતું વર્ચસ્વ મુખ્ય પ્રેરક
જયશંકરે ચીનની સતત આક્રમક સૈન્ય મુદ્રાને વ્યૂહાત્મક સંકલન માટેનું મૂળભૂત ચાલક બળ ગણાવ્યું હતું. તેમણે ભારત સાથેની વિવાદિત જમીન સરહદ પર ચીનની ઘૂસણખોરી, ૨૦૨૦ના ગલવાન સંઘર્ષો, તેના “ઇતિહાસમાં સૌથી મોટા નૌકાદળ નિર્માણ” અને ઈન્ડો-પેસિફિકમાં બેવડા ઉપયોગના બંદરોનું વિસ્તરતું નેટવર્ક ટાંક્યું હતું. તેમણે લખ્યું, “ચીનની સૈન્ય ક્ષમતાઓ હવે યુનાઇટેડ સ્ટેટ્સની સમાન બની ગઈ છે.”
પાકિસ્તાન સબંધો અને ટેરિફ બન્યા તણાવનું કારણ
વોશિંગ્ટન સાથેના તાજેતરના ઘર્ષણ તરફ ધ્યાન દોરતા, તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ ભારતના વળતા હુમલા અને ત્યારબાદ વોશિંગ્ટન દ્વારા પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ સાથેના ઉચ્ચ-સ્તરીય જોડાણને કારણે દ્વિપક્ષીય સંબંધો હચમચી ગયા હતા.
વેપાર પણ તણાવનું મોટું કારણ છે. દ્વિપક્ષીય વેપાર કરાર પરની વાટાઘાટો અટકી પડ્યા પછી યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ “કોઈપણ દેશ પરના સૌથી વધુ ટેરિફ” પૈકીના એક બની ગયા છે, જે હવે બંને પક્ષોના નિકાસકારો, કામદારો અને રોકાણકારોને જોખમમાં મૂકે છે. તેમણે ચેતવણી આપી હતી કે, આ જકાત જેટલો લાંબો સમય ચાલુ રહેશે, તેટલો વધુ ભારતમાં તેને “રાજકીય દુશ્મનીના કૃત્ય” તરીકે જોવામાં આવશે.
ચાર આધારસ્તંભોમાં સહકારની વિશાળ સંભાવના
જોકે, જયશંકરે નોંધ્યું હતું કે, આ વર્ષે સહકાર અનેક ક્ષેત્રોમાં ચાલુ રહ્યો છે, જેમાં નવો ૧૦-વર્ષનો સંરક્ષણ માળખાગત કરાર, મોટા સંરક્ષણ વેચાણ, વિસ્તૃત સૈન્ય કવાયતો અને ભારતનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો $૧.૩ બિલિયનનો LNG આયાત સોદો સામેલ છે.
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ભાગીદારીમાં હજુ પણ ચાર આધારસ્તંભો – વેપાર, ઊર્જા, ટેકનોલોજી અને સંરક્ષણ – માં વિશાળ સંભવિતતા છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્રિટિકલ મિનરલ્સ, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન્સ અને યુએસ-ભારત TRUST પહેલ હેઠળ સંરક્ષણ સહ-ઉત્પાદનમાં આવનારી તકો પર પ્રકાશ પાડ્યો હતો.
