રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને ગોળી છૂટી
દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ કર્યુ-સ્વબચાવમાં પીઆઈએ આરોપીના પગમાં મારી ગોળી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ પર દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીને હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.
દુષ્કર્મના એક ગંભીર ગુનાના આરોપી મોઇનુદ્દીન બપોરે ૧૨.૧૫ થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગુનાના રિકંસ્ટ્રક્શન માટે લઈ જતી વખતે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસની પકડમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ રાઠોડ પર હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર અન્ય પોલીસકર્મીઓમાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી.
આરોપી મોઇનુદ્દીન ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પીઆઈ ઘાસુરાએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને વધુ નુકસાન પહોંચાડતો અટકાવવા માટે પીઆઈ ઘાસુરાએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ફાયરિંગમાં એક ગોળી આરોપી મોઇનુદ્દીનના પગમાં વાગી હતી.
જેના કારણે તે સ્થળ પર જ ઘાયલ થઈને પકડાઈ ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડ અને ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપી મોઇનુદ્દીન બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેની સ્થિતિ હાલમાં સુધારા પર છે અને ખતરાથી બહાર છે.
પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સામે ભાગી જવાનો પ્રયાસ અને સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ વધારાના ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી પોલીસ બેડામાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાઠોડની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે, જેમણે ઈજા હોવા છતાં આરોપીને ભાગી જવામાં મદદ કરી ન હતી. પોલીસ વિભાગ દ્વારા આ બનાવને પગલે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે.
