ગોધરા શહેરાભાગોળ અન્ડર બ્રિજનું કામ ધીમું, કલેકટરને રજુઆત
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના શહેરાભાગોળ રેલ્વે ફાટક પાસે ચાલી રહેલી અન્ડર બ્રિજની કામગીરી મંથરગતિ થતા વિસ્તારનાં રહીશો અને વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. મહિનાઓથી ચાલતું કામ પૂર્ણ ન થતા રોજિંદી અવરજવર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજન અને રોજિંદા મજૂરોને લાંબો ચક્કર મારીને જવું પડતું હોવાને કારણે લોકોમાં રોષનો માહોલ સર્જાયો છે.
અન્ડર બ્રિજનું કામ શરૂ થયા બાદ ફાટક વિસ્તાર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે, જેના કારણે શહેરાભાગોળથી શહેરના અન્ય વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી વધી ગઈ છે. સ્થાનિકો કહે છે કે કામની ગતિ અત્યંત ધીમી છે અને તંત્ર તરફથી કામ ઝડપે પૂર્ણ કરવા કોઈ ખાસ પ્રયત્નો નજરે નથી પડતા.
આ પરિસ્થિતિથી પરેશાન વિસ્તારના વેપારીઓ, રહીશો અને અગત્યની જરૂરિયાત માટે અવરજવર કરનારા નાગરિકોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી છે. તેઓએ અન્ડર બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરીને માર્ગ ફરીથી ખુલ્લો મુકાશે તેવી માંગણી કરી છે.
રહીશોનું કહેવું છે કે કામ લાંબા સમયથી અટવાયું હોવાને કારણે વેપાર ધંધા પર પણ સીધી અસર થઈ છે. વિદ્યાર્થીઓને શાળા–કોલેજ જવામાં મોડું થાય છે અને વયસ્ક નાગરિકો માટે લાંબો રસ્તો કાપવો અત્યંત કઠિન બની ગયો છે.સ્થાનિકોએ કલેક્ટરને અપીલ કરી કે તંત્ર તાત્કાલિક કામગીરીમાં વેગ લાવી નાગરિકોને રાહત આપે અને વિકાસનાં કામો સમયસર પૂરા થાય તેની ખાતરી કરે.
