વડાલીમાં પ્રેમ પ્રકરણ મામલે તંગદીલીઃ પ૦થી વધુના ટોળા સામે ફરીયાદ
AI Image
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ રોડ પર થોડાક સમય અગાઉ એક યુવક-યુવતીએ ગમે તે કારણસર પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારબાદ બંને કોમના પરિવારો વચ્ચે વૈચારીક મતભેદને કારણે મામલો સપાટી પર આવી ગયો હતો ત્યારબાદ રવિવારે હથિયારો સાથે મારા મારી થતાં જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે વડાલીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો
ત્યારબાદ યુવતીના પિતાએ મોડેથી ૪૧ જણા વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે પણ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જણાવાયું છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાલીમાં રહેતા સગર અને રાજપુત સમાજના યુવક-યુવતીએ દોઢેક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. જેને લઈને બંને પક્ષે વૈચારિક મતભેદ ચાલતા હતા દરમ્યાન રવિવારે ગમે તે કારણસર બંને પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો.
જેથી સાબરકાંઠા પોલીસે તંગદીલીને ધ્યાનમાં રાખીને વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમ્યાન આ મામલે શનિવારે અને રવિવારે બે જુથો સામ સામે આવી જતાં કેટલાક વાહનોમાં તોડફોડ કરીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.
જે સંંદર્ભે સ્થાનિક પોલીસ સહિત એલસીબી, એસઓજી અને ડીવાયએસપીએ વડાલીમાં ડેરા તંબુ નાખી દીધા હતા તેમજ અલગ અલગ ઠેકાણે પોઈન્ટ બનાવી ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓને ફરજ પર તેહેનાત કરી દેવામાં આવ્યા હતા.
તો બીજી તરફ વડાલી પોલીસે ૪૧ સામે નામજોગ અને પ૦થી વધુના ટોળા સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી સાથો સાથ પ્રેમ લગ્ન કરનાર યુવતીને સલામતીના ભાગરૂપે નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી દેવામાં આવી હતી. સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વડાલીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હોવાનું પોલીસ સૂત્રોમાંથી જણાવાયું હતું.
