હૈદરાબાદના રસ્તાઓને રતન ટાટા, ગૂગલ અને માઈક્રોસોફ્ટનાં નામ અપાશે
હૈદરાબાદ, તેલંગાણાના હૈદારબાદને ગ્લોબલ સિટી તરીકે વિકસિત કરવા માટે રાજ્યની સરકારે એક અનોખી પહેલ શરુ કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ જાહેરાત કરી છે કે શહેરના કેટલાક મોટા અને મુખ્ય રસ્તાઓના નામ આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત હસ્તીઓ અને વિશ્વની મોટી કંપનીઓના નામ પર રાખવામાં આવશે.
આ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓના નામ – રતન ટાટા રોડ, ગૂગલ સ્ટ્રીટ, માઈક્રોસોફ્ટ રોડ અને વિપ્રો જંક્શન વગેરે રાખવામાં આવશે. આ નવતર પહેલનો હેતુ હૈદરાબાદને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપવાનો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત કરવાનો છે.
તેલંગાણા સરકારે સૌપ્રથમ પ્રમુખ ઉદ્યોગપતિ અને પદ્મભૂષણથી સન્માનિત રતન ટાટાને સન્માન આપવાની પહેલ કરી છે. નેહરુ આઉટર રિંગ રોડ(ઓઆરઆર)ની પાસે રાવિરિયાલાથી શરુ થઈને સૂચિત ફ્યૂચર સિટીને જોડતા ૧૦૦ મીટર પહોળા ગ્રીનફિલ્ડ રેડિયલ રોડનું નામ ‘રતન ટાટા રોડ’ રાખવાનો નિર્ણય કર્યાે છે.
રાવિરીયાલા ઈન્ટરચેન્જને પહેલાથી જ ‘ટાટા ઈન્ટરચેન્જ’ નામ અપાઈ ચૂક્યું છે. સૌથી વધુ ચર્ચિચ પ્રસ્તાવમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસની સામેના મુખ્ય રોડનું નામ ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’ રાખવાનો છે.
આ પહેલીવાર છે જ્યારે કોઈ પણ ભારતીય શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રોડ હશે. તેલંગાણા સરકાર જલદી જ આ પ્રસ્તાવને આગળ વધારવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને અમેરિકાના દૂતાવાસને મોકલશે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનું માનવું છે કે તેનાથી હૈદરાબાદની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ વેલ્યુ ઊભી થશે અને અમેરિકા સાથેના રોકાણ-વ્યાપાર સંબંધો પણ મજબૂત થશે. મુખ્યમંત્રીએ એવો પણ સંકેત આપ્યો છે કે હૈદરાબાદના કેટલાક અન્ય મોટા રોડના નામ વિશ્વવિખ્યાત ટેક-કંપનીઓના નામ પર રખાશે.SS1MS
