રાજ્ય બાર કાઉન્સિલમાં ૩૦% બેઠકો મહિલા વકીલો માટે અનામત રાખોઃ સુપ્રીમ
નવી દિલ્હી, દેશના તમામ રાજ્યોની બાર કાઉન્સિલમાં મહિલા વકીલો માટે ૩૦ ટકા બેઠકો અનામત રાખવાનો સુપ્રીમે આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત તથા જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ અંગેનો આદેશ આપતાં જણાવ્યું હતું કે, જે રાજ્યોની બાર કાઉન્સિલમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ નથી કરાઈ તેવા તમામ રાજ્યોની બાર કાઉન્સિલમાં મહિલા વકીલો માટે ૩૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવે.
બેન્ચે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ માટે જે રાજ્યોની બાર કાઉન્સિલમાં ચૂંટણી યોજવાની બાકી છે, તેવા રાજ્યોમાં ૨૦ ટકા બેઠકો મહિલા ઉમેદવારોથી ભરવાની રહેશે, અને જ્યાં ઉમેદવારોની સંખ્યા પૂરતી ના હોય તેવા સંજોગોમાં બાકીની ૧૦ ટકા બેઠકો કો-ઓપ્શન એટલે કે સહયોગથી ભરવાની રહેશે.
સર્વાેચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં મહિલા વકીલોની સંખ્યા પૂરતી ના હોય તેવા રાજ્યોના સંજોગોમાં કો-ઓપ્શનની દરખાસ્ત કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ના ચેરપર્સન તથા વરિષ્ઠ વકીલ મનન કુમાર મિશ્રાએ બેન્ચને જણાવ્યું હતું કે, સર્વાેચ્ચ અદાલતના અગાઉના આદેશને પગલે છ બાર કાઉન્સિલમાં ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે.
બીસીઆઈનું વલણ રજૂ કરતાં મિશ્રાએ જણાવ્યું હતું કે, સૈદ્ધાંતિક રીતે બીસીઆઈનું માનવું છે કે, રાજ્યોની બાર કાઉન્સિલમાં ઓછામાં ઓછી ૩૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, ચાલુ વર્ષે મહિલા ઉમેદવારોને કો-ઓપ્ટિંગ દ્વારા ભરતી કરવા માટે કાઉન્સિલને મંજૂરી મળવી જોઈએ.
બેન્ચે ઉમેર્યું હતું કે, જે રાજ્યોની બાર કાઉન્સિલ્સમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાનું સલાહભર્યું નથી.ઉલ્લેખનીય છે કે, ગત ૪ ડિસેમ્બરના રોજ સર્વાેચ્ચ અદાલતે, રાજ્યોની બાર કાઉન્સિલની આગામી ચૂંટણીઓમાં મહિલાઓ માટે ૩૦ ટકા બેઠકો અનામત રાખવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નિર્દેશ આપ્યો હતો.SS1MS
