ગોવા નાઇટક્લબના બંને માલિકો ઈન્ડિગોની ફ્લાઈટમાં થાઈલેન્ડ ભાગી ગયા
પણજી, ગોવાના એક નાઇટક્લબના અગ્નિકાંડના મામલામાં પોલીસે નાઇટક્લબના માલિકો, ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. જોકે, આ પહેલાં નાઇટ ક્લબના બંને માલિક થાઈલેન્ડ ભાગી ગયા હોવાની વિગતો સામે આવી છે.
આ બેદરકારીની માહિતી ત્યારે સામે આવી છે, જ્યારે પોલીસની એક ટીમે દિલ્હી પહોંચીને આરોપીઓ ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ બંને આરોપી મળ્યા નહીં એટલે પોલીસ તેમના નિવાસસ્થાન પર કાયદા અંતર્ગત નોટિસ ચોંટાડીને પરત આવી ગઈ.
ગોવા પોલીસે જણાવ્યું કે, સાતમી ડિસેમ્બરે સાંજે બંનેની સામે લૂકઆઉટ નોટિસ(એલઓસી) જાહેર કરાઈ હતી. મુંબઈ ઈમિગ્રેશનના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો તો ખબર પડી કે બંને આરોપી સાતમી ડિસેમ્બરની સાંજે ૫-૩૦ કલાકે ઈન્ડિગોની ફ્લાઇટ ૬ઈ-૧૦૭૩માં બેસીને ફુકેત રવાના થઈ ગયા હતા.
આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપી તપાસની પ્રક્રિયામાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન, પોલીસે સોમવારે દિલ્હીમાંથી ક્લબના ઓપરેશન મેનેજર ભરતસિંહની ધરપકડ કરી છે.
આ સાથે, નાઇટક્લબ અગ્નિકાંડ મામલામાં કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ છે. આ પહેલા, પોલીસે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેકસિંહ, બાર મેનેજર રાજીવ સિંધાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની ધરપકડ કરી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે આરંભની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક ફટાકડાથી આગ લાગી છે.
જ્યારે, ઈંસ્ટાગ્રામ પર ક્લબ ચેઇનના માલિક સૌરભ લૂથરાએ અગ્નિકાંડ પર દુખ વ્યક્ત કર્યું અને પીડિતોને શક્ય તમામ મદદ કરવા માટેની તૈયારી દર્શાવી છે. પાંચેય આરોપીઓને છ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પણજીથી ૨૫ કિ.મી. દૂર અરપોરામાં બર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબમાં છ ડિસેમ્બરની રાત્રે આગ લાગવાની ઘટનામાં ૨૫ લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં નાઇટક્લબના ૨૦ કર્મચારીઓ અને પાંચ ટૂરિસ્ટ સામેલ છે.SS1MS
