દૂધ મંડળીઓ દ્વારા કુલ 4771 લીટર દૂધનું દાન કરવામાં આવ્યું: “આશીર્વાદ પાત્ર” દ્વારા દૈનિક દૂધ દાન
અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રનો સંયુક્ત અભિગમ : દૂધના દાનથી બાળ પોષણનો નવતર ઉદ્દયમ-“ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાનને ખેડા જિલ્લામાં મળી રહી છે સફળતા
માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલમાં અભિયાન વિશે દૂધમંડળીઓને સમજૂત કરાયા
–દૂધ ઉત્પાદકોના સહકારથી ખેડા જિલ્લામાં કુપોષિત બાળકો માટે ઉભર્યું માનવતા આધારિત પોષણ અભિયાન
“આશીર્વાદ પાત્ર” દ્વારા દૈનિક દૂધ દાન—ખેડા જિલ્લાનું અનોખું સામાજિક પોષણ મોડેલ
ખેડા જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરના રોજ શરૂ થયેલ “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના ઉમદા વિચાર સાથે ખેડા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પહેલને જિલ્લાભરની દૂધ મંડળીઓ અને નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધીમાં માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલમાં અભિયાન વિશે સંબંધિત ધારાસભ્યશ્રી અને અમૂલ ડેરીના ચેરમેન શ્રીની ઉપસ્થિતિમાં દૂધમંડળીઓને સમજૂત કરવામાં આવ્યા છે.

“ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત જ્યારે ગામના પશુપાલક ભાઈ-બહેન દૂધ ડેરી પર જમા કરવા આવે છે ત્યારે ત્યાં રાખેલ ‘આશીર્વાદ પાત્ર’ માં તેઓ પોતાની ઈચ્છા શક્તિ મુજબ ૧૦, ૩૦, ૫૦ મિલી કે વધુ પ્રમાણમાં દૂધનું દાન કરે છે.
આ દૂધ સીધું આંગણવાડીના કુપોષિત બાળકોને મળી રહે તે માટે આંગણવાડી બહેનો દ્વારા તેનું આયોજનબદ્ધ વિતરણ કરવામાં આવે છે. ગામમાં વધુમાં વધુ લોકો જન્મતિથિ, લગ્નતિથિ અથવા કોઈ ઉત્સવ ઉજવણી સમયે પણ આવા કુપોષિત બાળકોને માટે ગોળ, કઠોળ, શિંગ, ખજૂર વગેરે આંગણવાડી પર આપી આવા ઉમદા કાર્યમાં જોડાઈ શકે છે.
જિલ્લા કલેકટરશ્રીએ તેમના વિચારને રજૂ કરતા જણાવ્યું કે, કુપોષણ એ કેન્સર કરતા પણ ખૂબ મુશ્કેલ સમસ્યા છે. કુપોષણ દૂર કરવું એ સૌ ગામના આગેવાનોની, તમામ જનસમુદાયની તથા ગામના લોકોની નૈતિક ફરજ અને જવાબદારી છે. જેના એક પ્રયાસ રૂપે ગામની દૂધ મંડળીઓ સહકારની ભાવનાથી દૂધનો ખૂબ નાનો ભાગ
બાળકો માટે દૈનિક નિયમિત રીતે આપે તો આવનારા સમયમાં ગામમાંથી કુપોષણ નિવારી શકાય. આંગણવાડી બહેનો જ્યારે આપના દ્વારે આવે તો ત્યારે તેને માન આપી અભિયાનમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ ઉપસ્થિતને વિનંતી કરી. વધુમાં આ અભિયાનમાં સરકારી કર્મચારીઓ પણ જોડાય અને તેઓ પણ આંગણવાડીના બાળકો માટે વારે તહેવારે જો દાન કરે તો સમાજમાં તેની ખૂબ જ હકારાત્મક અસર થશે. આ અભિયાનને સહકારની સાથે સાથે તમામ નાગરિકોનો પ્રેમ મળે તે પણ ખૂબ જ જરૂરી છે
આ પહેલનું સુચારૂ અમલીકરણ કરવા ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રી, તલાટીશ્રી તેમજ શિક્ષકો બધાનો સહયોગ ખૂબ અનિવાર્ય છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે પણ ભાવિ નાગરિકોને સ્વસ્થ અને પોષણયુક્ત બનાવવા માટે માત્ર ઘરની વ્યક્તિ કે કોઈ વાલી નહીં પણ ગ્રામજનોનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે તેમ જણાવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલની દૂધ મંડળીઓને આહવાન કરવામાં આવ્યું છે. અને આજ દિન સુધીમાં કુલ ૪૭૭૧.૯૫ લિટર દૂધનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે. અને દરરોજ ૩૦૦૦થી વધુ બાળકોને આનો લાભ મળી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીએ આશા વ્યક્ત કરી છે કે આવનાર સમયમાં આ પહેલ જિલ્લાના તમામ તાલુકાઓમાં સફળતાપૂર્વક અમલીકરણ પામશે અને ખેડા જિલ્લો કુપોષણમુક્ત બનવાની દિશામાં એક મજબૂત કદમ ઉઠાવશે. સમગ્ર જિલ્લાની જનતા, દૂધ મંડળીઓ અને પશુપાલકોનો આ ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
