Western Times News

Gujarati News

૧૬મી ડિસેમ્બરે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય, તોપણ ફોર્મ-૬ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લાના કુલ ૨૧ વિધાનસભા મતવિભાગના તમામ બૂથ દીઠ BLA-BLOની મિટિંગ યોજી, માર્ગદર્શન અપાયું-અમદાવાદ જિલ્લામાં SIR અંતર્ગત ૯૯.૯૩ ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ
હજી પણ જેમનાં એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાના બાકી હોય, તેમને સત્વરે ફોર્મ જમા કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરનો અનુરોધ
અમદાવાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૯૯.૯૩ ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માટે જિલ્લાના તમામ ૨૧ વિધાનસભા મતવિસ્તારોના કુલ ૫૫૨૪ મતદાનમથકોના બીએલઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મૃત, સ્થળાંતર, ગેરહાજર કે ડુપ્લિકેટ તરીકે નોંધાયેલા મતદારોનાં નામની યાદી વિવિધ માન્ય રાજકીય પક્ષોના કુલ ૬૮૪૯ BLAને વાંચી સંભળાવી ખરાઈ કરાવવામાં આવી હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજીત કુમારે જણાવ્યું હતું.
શ્રી સુજીત કુમારના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં બુથવાર તમામ BLO તથા તે બુથના BLA સાથે બેઠકો યોજવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં આવી કુલ ૪૮૩૯ બેઠકો યોજાઈ છે. વધુમાં, વિવિધ માન્ય રાજકીય પક્ષોના BLAને Absent (ગેરહાજર), Shifted (સ્થળાંતર) કે Death (મૃત) નામોની યાદી પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝૂંબેશનો ગણતરીનો તબક્કો તા. ૧૧ ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
આ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારે જણાવ્યું કે મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) ૨૦૨૫નો પ્રથમ તબક્કો ૧૧મી ડિસેમ્બરે પૂર્ણ થશે. ત્યારે હજી પણ જે નાગરિકોના એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાના બાકી હોય, તેઓ સંબંધિત બીએલઓ, સહાયક મતદાર નોંધણી અધિકારી(AERO)ની કચેરી કે મતદાર નોંધણી અધિકારી(ERO)ની કચેરી ખાતે સત્વરે પોતાના ફોર્મ જમા કરાવી દે, જેથી એક પણ લાયક મતદારનું નામ આ સઘન સુધારણા ઝૂંબેશમાં બાકાત ન રહે.
વધુમાં, જે નાગરિકોનું નામ ૨૦૦૨ અથવા ૨૦૨૫ની મતદારી યાદીમાં ન હોય અને લાયકાત ધરાવતા હોય, તો તેવા નાગરિકો ફોર્મ-૬ ભરીને પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકે છે. એન્યુમરેશન ફેઝ પૂર્ણ થયા બાદ તા. ૧૬ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય, તોપણ ફોર્મ-૬ ભરીને પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે જેમનું નામ ૨૦૨૫ની મતદાર યાદીમાં ચાલતું હોય અને ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ ન મળ્યું હોય અથવા મેપિંગ ન થઈ શક્યું હોય, તો એવા લોકો પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા આધાર પુરાવાઓ રજૂ કરીને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે. લાયકાત ધરાવતી કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી બહાર રહેશે નહીં.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.