‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરીઃ રૂ. ૧.૩૨ કરોડનો મુદ્દામાલ જપ્ત
File
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરીનું મોટા પાયે નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂ. ૧,૩૨,૬૯,૦૫૫ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની ૭૧૦૮ બોટલો જપ્ત કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ફાર્મમાં આરોપીઓ બોર્નવીટાના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા.
પોલીસને બાતમી મળી હતી કે, હાથીજણ નજીક બડોદરા ગામના વિસ્તારમાં આવેલા ફિરોજખાન મહોમ્મદખાન બેલીફના ફાર્મહાઉસ પર વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક બંધ બોડીવાળા કન્ટેનર અને એક સફેદ કારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીઓએ દારૂના બોક્સોને ઢાંકવા માટે બોર્નવીટાના નાના-મોટા ૧૧૪૪ બોક્સ અને બંડલોના કવરનો ઉપયોગ કર્યો હતો. આ બોર્નવીટાના બોક્સોની કિંમત જ રૂપિયા ૭૮,૧૨,૩૧૫ છે.
હેરાફેરી માટે અપાયેલું આ કવરિંગ પોલીસની નજરમાંથી બચવા માટેનું સાધન હોવાનું બહાર આવ્યું છે જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં અનેક જાણીતી અને બજારમાં માંગ ધરાવતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ દારૂનો મોટાભાગનો જથ્થો રાજ્યમાં ગેરકાયદે વિતરણ માટે લાવવામાં આવી રહ્યો હતો.
પોલીસે આ કેસમાં ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ફાર્મહાઉસનો માલિક ફિરોજખાન મોહમ્મદ ખાન બેલીફ મુખ્ય સૂત્રધાર છે. તેની સાથે કન્ટેનરનો ડ્રાઇવર અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. હાલ પોલીસે કન્ટેનર, કાર અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી છે.
