ચેખલા ગામે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સમાજમાં જાતિ સમાનતાની ભાવનાને મજબૂત બનાવતાં સ્ત્રી-પુરુષ સમાનતાના મહત્વ વિશે સમજણ અપાઈ
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાણંદ તાલુકાના ચેખલા ગામે ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ યોજના અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો સાથે જાતિ સમાનતા અંગેનો એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાતિ સમાનતાની ભાવનાને મજબૂત બનાવવાનો અને છોકરીઓના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમમાં સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેન યોજનાના જેન્ડર સ્પેશિયલિસ્ટ શ્રી જીતેશભાઈ સોલંકી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સ્ત્રી-પુરુષ સમાનતા, છોકરીઓના હકો, સુરક્ષા, શિક્ષણનું મહત્વ અને સમાજમાંથી લિંગભેદ દૂર કરવાની આવશ્યકતા જેવા મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી હતી.
વધુમાં, શ્રી જીતેશભાઈએ બહેનોને તેમના દૈનિક જીવનમાં સમાનતા અપનાવવાની સરળ રીતો તેમજ છોકરીઓ માટે ઘરમાં અને સમાજમાં એક સલામત અને સહાયક વાતાવરણ કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગેનું વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રેરણાત્મક ઉદાહરણો દ્વારા સ્વ સહાય જૂથની ભાગ લેનારી બહેનોમાં જાતિ સમાનતા પ્રત્યે સકારાત્મક જાગૃતિ અને ઊંડી સમજણ વિકસાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ યોજનાના મૂળભૂત હેતુઓને વધુ મજબૂત બનાવનારો અને સમાજમાં સમાનતા આધારિત વિચારધારાને પ્રોત્સાહન આપનારો નોંધપાત્ર પ્રયત્ન સાબિત થયો હતો.
