કોઈ સુધારાથી નાગરિકો પરનું ભારણ વધવું જોઈએ નહીંઃ વડાપ્રધાન મોદી
File
નવી દિલ્હી, એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીયોનું જીવન સરળ બનાવવાની પ્રાથમિકતા અગ્રતાક્રમે છે અને કોઈ કાયદાથી એક પણ નાગરિક પર ભારણ વધવું જોઈએ નહીં. નિયમો અને નિયંત્રણો હંમેશા લોકોની સુવિધા વધારવાના હેતુથી લાગુ થવા જોઈએ.
નવી દિલ્હી ખાતે એનડીએના સાંસદોની બેઠકમાં સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશ હવે પૂરપાટ ઝડપે રીફોર્મ એક્સપ્રેસના તબક્કામાં દોડી રહ્યો છે, જ્યાં સુધારાઓ શુદ્ધ ઈરાદા સાથે ખૂબ ઝડપથી થાય છે.
સરકારના સુધારામાં માત્ર આર્થિક કે આવક વધારવાના ઉપાયો નથી, તેને સંપૂર્ણપણે નાગરિક કેન્દ્રિત રાખવામાં આવે છે. લોકો પોતાની પૂર્ણ ક્ષમતા સાથે વિકાસ હાસલ કરી શકે અને તે માટે રોજિંદા જીવનમાં આવતી અડચણો દૂર થાય તે ઉદ્દેશ સાથે સુધારા હાથ ધરાય છે. એનડીએના તમામ સાંસદોની ઉપસ્થિતિ ધરાવતી બેઠક સંપન્ન થયા બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાના ઘડવૈયાઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે અને એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ‘રીફોર્મ એક્સપ્રેસ’ સૌથી વધુ મહત્ત્વની છે.
વડાપ્રધાનની રીફોર્મ એક્સપ્રેસ શરૂ થઈ ચૂકી છે અને હવે તે ક્યાંય રોકાશે નહીં તેવું જણાવતા રિજિજુએ કહ્યું હતું કે, સુધારાઓનો મુખ્ય હેતુ દરેક નાગરિકના જીવનમાં પરિવર્તન લાવવાનો હોય છે.સુધારાની વાત કરીએ ત્યારે ઘણાં લોકો આર્થિક સુધારા અંગે વિચારતા હશે, જ્યારે કેટલાકને રાજકીય સુધારા અથવા વહીવટી કે સાંસ્કૃતિક સુધારા દેખાતા હશે. સુધારાનો સાચો અર્થ દરેક નાગરિકના જીવનને બહેતર બનાવવાનો છે.
વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારના સુધારા સંપૂર્ણપણે નાગરિકોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવે છે, આ સુધારા ફક્ત આર્થિક કે આવક પર કેન્દ્રિત નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુધારાઓનો ધ્યેય લોકો માટે રોજિંદા અવરોધોને દૂર કરવાનો છે જેથી તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે.SS!MS
