હાર્દિકની ફિફ્ટી બાદ બોલર્સ છવાયા, ભારતે આફ્રિકાને ૧૦૧ રને કચડ્યું
કટક, હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી ફિફ્ટી ફટકારવાની સાથે ભરાતીય ટીમમાં ઓલરાઉન્ડ દેખાવ સાથે શાનદાર કમબેક કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતનો ૧૦૧ રને દબદબાભર્યાે વિજય રહ્યો હતો. ભારતીય ટીમની ડામાડોળ શરૂઆત બાદ હાર્દિક પંડ્યાએ ૫૯ રનની અણનમ ઈનિંગ્સ રમતા ભારત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૫ રનનો મજબૂત સ્કોર રજૂ કરી શક્યું હતું.
જવાબમાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ ૧૨.૪ ઓવરમાં ૭૪ રનમાં જ ખખડતાં ભારતે શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યાે હતો. પાંચ ટી૨૦ મેચની સિરીઝમાં ભારતે ૧-૦ની લીડ મેળવી છે. હાર્દિક પંડ્યાને ટી૨૦માં તેની છઠ્ઠી ફિફ્ટી ઉપરાંત એક વિકેટ ઝડપી હોવાથી મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઓવરમાં જ ક્વિન્ટન ડી કોક (૦૦)ની વિકેટના રૂપે આંચકો લાગ્યો હતો.
અર્શદીપ સિંહના બહાર તરફ જતા બોલને ફટકારવા જતા તે બીજી સ્લિપમાં અભિષેકના હાથે કેચઆઉટ થયો હતો. કેપ્ટન માર્કરમ (૧૪) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૧૪) પણ ઝડપથી આઉટ થઈ જતા ટીમ પર સંકટના વાદળો ઘેરાયા હતા. ડેવાલ્ડ બ્રેવિસે એક છેડેથી રન કરવાનું ચાલુ રાખ્યું હતું અને ૧૪ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૨૨ રનનો સર્વાેચ્ચ વ્યક્તિગત સ્કોર કર્યાે હતો.
બુમરાહે બ્રેવિસને આઉટ કરીને ટી૨૦ ફોરમેટમાં ૧૦૦મી વિકેટ ઝડપી હતી. બ્રેવિસ આઉટ થયો તે બોલને થર્ડ અમ્પાયરે ચકાસ્યો હતો અને એક ક્ષણે બુમરાહનો પગ આગળની લાઈનથી બહાર હોવાનું જણાયું હતું પરંતુ ટીવી અમ્પાયરે બોલરના પક્ષમાં નિર્ણય આપતા ભારતીય ટીમે આ વિકેટની ઉજવણી કરી હતી. ડેવિડ મિલર (૧) પોતાની લય મેળવી શક્યો નહતો અને હાર્દિકનો શિકાર બન્યો હતો.
વરૂણ ચર્કવર્તીએ ફરેરા (૫) અને યાનસેન (૧૨)ની વિકેટ ઝડપીને આફ્રિકા ફરતે ગાળિયો કસ્યો હતો. ભારત તરફથી અર્શદીપ, બુમરાહ, વરૂણ અને અક્ષરે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી હતી. આમ ભારતના તમામ બોલર્સે પ્રભાવી દેખાવ કર્યાે હતો.ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બોલિંગ લીધી હતી.
ભારતીય ટીમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્માને તક અપાઈ હતી. ભારતીય ટીમમાં આશરે એક મહિના બાદ કમબેક કરી રહેલા શુભમન ગિલ એન્ગિડીના બોલ પર ચોગ્ગો ફટકાર્યાે હતો પરંતુ બાદમાં તે બે બોલમાં ચાર રન કરીને યાનસેનના હાથે કેચ આઉટ થતા મેચના ત્રીજા બોલ પર જ ભારતે વિકેટ ગુમાવી હતી. કેપ્ટન સૂર્યુકમાર યાદવે (૧૨) એન્ગિડની ઓવરમાં ચોગ્ગો અને પછી છગ્ગો ફટકારીને ફોર્મમાં પરત આવવાના સંકેત આપ્યા હતા. પરંતુ ત્યારપથી ધીમા બોલ પર બેટની ઉપરનો ભાગ લાગતા માર્કરમે મિડ ઓન પર તેનો સુંદર કેચ ઝડપ્યો હતો. ભારતે ૧૭ રનમાં બે વિકેટ ગુમાવી હતી. અભિષેક (૧૭) અને તિલક વર્મા (૨૬)એ સ્થિરતા અપાવી હતી પરંતુ પાવરપ્લે સમાપ્ત થયા બાદ બીજી જ ઓવરમાં અભિષેક સિપામ્લાની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
અક્ષર પટેલે ૨૧ બોલમાં ૨૩ રન ફટકાર્યા હતા જેમાં એક છગ્ગાનો સમાવેશ હતો. તેણે તિલક સાથે ચોથી વિકેટ માટે ૩૦ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્રણ ઓવરની અંદર તિલક અને અક્ષર બન્ને પેવેલિયન પરત ફર્યા હતા. હાર્દિક પંડ્યાએ ઈજામાંથી ટીમમાં પુનરાગમન કરતા તેના પર નજર હતી. હાર્દિકે ૨૫ બોલમાં અડધી સદી ફટકારી હતી.SS1MS
