Western Times News

Gujarati News

વિજાપુર પંથકની સગીરા સાથે રેપ કેસમાં મુખ્ય આરોપી સહિત ત્રણને ૨૦ વર્ષની સજા

મહેસાણા, વિજાપુર પંથકની એક સગીરા સાથે દુષ્કર્મ આચરી ફોટા પાડી બ્લેકમેઈલ કરી ચાર મહિનામાં અવારનવાર દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી તેમજ બે સહઆરોપીને મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજે ૨૦ વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂ.૪૪ હજારનો દંડ ફટકાર્યાે છે.

વિજાપુરના મંડાલી (ખરોડ)નો ઠાકોર નિકુલજી પ્રધાનજી પંથકની એક સગીરાનો અવારનવાર પીછો કરતો હતો અને ગત તા.૮-૪-૨૪ની રાત્રિએ તેણી ઘરે એકલી હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચરી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા.

જે ફોટા વાઈરલ કરવાની તેમજ પરિવારજનોને છોડીશ નહીં તેવી ધમકી આપી નિકુલજીએ ૬-૮-૨૪ સુધી અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ૭-૮-૨૪ના રોજ અન્ય મિત્રોની મદદથી તેણી તથા તેની બે સખીઓનું કારમાં અપહરણ કરીને ઋષિવન લઈ જઈ ત્યાં ફેરવી હતી. પરત ફરતાં તેણીને વિજાપુરના એક ગેસ્ટહાઉસમાં લઈ જઈ નિકુલજીએ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું.

કંટાળેલી સગીરાએ પરિવારજનોને વાત કરી હતી અને લાડોલ પોલીસ મથકે ઠાકોર નિકુલજી પ્રધાનજી તથા સહઆરોપીઓ ભરવાડ મહેશભાઈ બળદેવભાઈ (રહે.રોણીયાપુરા (ખરોડ), તા.વિજાપુર) અને વણઝારા પ્રકાશભાઈ બાબુજી (રહે.ખરોડ, તા.વિજાપુર) સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

આ કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ કરેલી દલીલો અને રજૂ કરાયેલા પુરાવાને માન્ય રાખી મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજ એમ.એફ.ખત્રીએ મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર તેમજ બે સહઆરોપીઓ મહેશ ભરવાડ તથા પ્રકાશ વણઝારાને પોક્સો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ અલગ અલગ મળને કુલ ૨૦ વર્ષની સખત કેદની સજા તેમજ દરેકને કુલ રૂ.૪૪ હજારનો દંડ ફટકાર્યાે હતો. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂ.૩ લાખ ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મારફત સરકાર પાસેથી અપાવવાનો આદેશ પણ કોર્ટે કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.