અજય દેવગને ‘ધુરંધર ૨’ માટે ઇદની જગ્યા ખાલી કરી આપી
મુંબઈ, ગયા અઠવાડિયે રણવીર સિંહની ‘ધુરંધર’ રિલીઝ થઈ છે અને સોમવારની કસોટી પર પણ આ ફિલ્મ ખરી ઉતરી છે. ફિલ્મે ચોથા દિવસે પણ ૨૦ કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે.
હવે આ ફિલ્મ રણવીરની સૌથી મોટી ઓટીટી ડીલ કરનારી ફિલ્મ બનવાની પણ ચર્ચા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “ધુરંધરના સ્ટ્રીમિંગના અધિકારો માટે નેટફ્લિક્સે ૧૩૦ કરોડ રૂપિયા ચુકવ્યા છે. આ રકમ ફિલ્મના બંને ભાગની સંયુક્ત ડીલ માટે છે. એવું માની શકાય કે ધુરંધરના ભાગ૧ અને ૨ની કિંમત ૬૫ કરોડ છે. તે છતાં, આજે જ્યારે ઓટીટીની કિંમતો ઘટી રહી છે, ત્યારે રણવીર માટે ડીલ ઘણી મહત્વની કહી શકાય. આ તેની કૅરિઅરની સૌથી મોટી ડીલ છે.”
જો રણવીરની આ પહેલાની ફિલ્મા ઓટીટી રાઇટ્સની ડીલની વાત કરવામાં આવે તો, ૮૩ના ૩૦ કરોડ અને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની ડીલ ૮૦ કરોડમાં થઈ હતી.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ અત્યાર સુધીમાં ૧૩૦ કરોડની કમાણી કરી લીધી છે. ધુરંધરને મળી રહેલી સફળતા જોઈને તેના બીજા ભાગ માટે પણ દર્શકોમાં ઉત્સુકતા રહેશે. આ બાબતને ધ્યાનમાં રાખીને અજય દેવગને મોટું દિલ રાખીને યશની ટોક્સિક અને ધુરંધર ૨ સામે ટક્કર લઇને પોતાની ફિલ્મ ધમાલ ૪ની ઇદ પરની રિલીઝ પાછી ખેંચી લીધી છે.
ત્રણે ફિલ્મ નુકસાનીમાં જાય તેના બદલે તેણે પોતાની ફિલ્મ હવે મે,૨૦૨૬માં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.અજય દેવગને બધાની પહેલાં ઇદ ૨૦૨૬ પર તેની ફિલ્મ ધમાલ ૪ રિલીઝ થશે એવી જાહેરાત કરી હતી. પરંતુ હવે રણવીરની ફિલ્મ ધુરંધરના પ્રોડ્યુસર જીઓ સ્ટુડિયોએ જાહેરાત કરી કે ધુરંધર ૨ આ મહત્વના દિવસે રિલીઝ થશે. આ જ દિવસે યશની ટોક્સિક પણ રિલીઝ થઈ રહી છે. તેથી પરિસ્થિતિ બગડે નહીં એ ધ્યાનમાં રાખીને અજય દેવગને આ નિર્ણય લીધો છે.
સુત્રો દ્વારા આ અંગે મળતી માહિતી મુજબ, “કેટલીક ચર્ચા વિચારણાઓ પછી અને ધુરંધરની ઐતિહાસિક સફળતા જોઈને અજય દેવગન ટક્કર લઇને કોઈ જોખમ લેવા માગતો નથી. અજય હંમેશા એવી વ્યક્તિ રહ્યો છે, જે ઇન્ડસ્ટ્રીની પડખે ઉભો રહે, તે સમજે છે કે ધુરંધર ૨ની સફળતા ઇન્ડસ્ટ્રીને નવી રાહ બતાવી શકે છે.
તેણે પહેલી ફિલ્મની સફળતાનો અભ્યાસ કર્યાે છે અને તે નથી ઇચ્છતો કે તેની કોમેડી ફિલ્મ કોઈ એવી ફિલ્મ સાથે ટક્કર લે, જે ફિલ્મ દેશની જનતાને સ્પર્ષી ગઈ હોય. તે માને છે કે ધુરંધર એક મહત્વની ળેન્ચાઇઝી છે અને તે સ્પર્ધા વિનાની રિલીઝની હકદાર છે.”અજય દેવગન મે ૨૦૨૬માં વેકેશન દરમિયાન ધમાલ ૪ રિલીઝ કરવાનું વિચારે છે, જ્યારે બાળકો અને મોટાઓ બધાં જ થિએટરમાં જઇને તેની આ કોમેડી ફિલ્મ માણી શકે.SS1MS
