અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો 8 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો
અમદાવાદમાં ઉત્તરાયણ-2026 પહેલાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર કડક કાર્યવાહી હાથ ધરાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, આગામી ઉત્તરાયણ-2026ના તહેવારને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેને અનુલક્ષીને શહેરભરમાં જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
અધિક પોલીસ કમિશ્નર, વિશેષ શાખાની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર શહેરમાં ચાઈનીઝ દોરીના દાખલ થયેલા ગુનાઓની માહિતીમાં પોલીસે કુલ 8,46,650 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત થયેલા જથ્થામાં કુલ 2145 ચાઈનીઝ દોરીના ટ્રેલર અને 40 ફિરકીઓનો સમાવેશ થાય છે.
નોંધાયેલા કેસોમાં, રામોલ પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 2040 ટ્રેલર જપ્ત કરવામાં આવ્યા, જેની કિંમત 8,16,000 રૂપિયા છે. આ ઉપરાંત, સરખેજ પોલીસે 8000 રૂપિયાની કિંમતની 40 ફિરકીઓ જપ્ત કરી છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં 90 ચાઈનીઝ દોરીના ટ્રેલર જપ્ત કર્યા છે જેની કિંમત 18,900 રૂપિયા છે તે જપ્ત કરવામાં આવ્યા છે.

શહેરકોટડા પોલીસે 3,750 રૂપિયાના 15 ટ્રેલર જપ્ત કર્યા છે. સાથે જ, એક ઓટો રિક્ષા પણ મુદ્દામાલ તરીકે પકડાઈ છે જેની કિંમત 1,70,000 છે. આ તમામ ગુનાઓ મુખ્યત્વે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 તથા જી.પી. એક્ટ (ગુજરાત પોલીસ એક્ટ)ની કલમ 113, 117, અને 131 હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
ચાઈનીઝ દોરીના જોખમો અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉત્તરાયણ-2026ના સંદર્ભમાં વિવિધ જગ્યાએ જનજાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ સ્થળોએ, શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે અને જાહેર જનતા સાથે બેનરો અને પોસ્ટરો દ્વારા સંવાદ કરી તેમને ચાઈનીઝ દોરીથી થતાં નુકસાન અંગે જાગૃત કર્યા હતા,
જેથી નાગરિકોને ચાઈનીઝ દોરીના ઉપયોગથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ કાર્યવાહી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કમિશ્નરે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, ઉત્તરાયણનો તહેવાર સલામત રીતે ઉજવવામાં આવે અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કે ઉપયોગ અંગે કોઈ પણ માહિતી હોય તો પોલીસને તેની જાણ કરવામાં આવે.
